
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વધુ પડતા મોબાઈલના ઉપયોગને કારણે ગાંડા જેવા થઈ ગયેલા બાળકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વધુ પડતા મોબાઈલના ઉપયોગને કારણે આ બાળક ગાંડો થઈ ગયો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વધુ પડતા મોબાઈલના ઉપયોગને કારણે ગાંડા જેવા થઈ ગયેલા બાળકનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ કાલ્પનિક રીતે લોકજાગૃતિ માટે બનાવવામાં આવેલો સ્ક્રિપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે?
એક ફેસબુક યુઝર દ્વારા 25 જૂન, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, 😟 આ વિડીયો ખરેખર દરેક માં-બાપની આંખો ખોલી નાખશે ને બાળકની જિંદગી બરબાદ થતી અટકી જશે તેવી આશા છે. હજુ સમય છે મોટા બાળકોને અને માસૂમ ભુલકાઓને મોબાઇલ આપતા બહુ વિચાર કરશો. આ વિડીયો બાળકને પણ બતાવશો તેને પણ આ જરૂર અસર કરશે અને તે પણ કોઈ દિવસ મોબાઇલ માગશે જ નહિ.
🌹👍🏼💐👏🏻🌹🌷🌹 છોકરા ઓને ફોન આપવાનું બંધ કરો ભણવામાં ધ્યાન અપાવશો થોડું આપણે પણ બાળકો પ્રત્યે પ્રેમ ભાવના સાથે ધ્યાન રાખવું જોઈએ 👏👏🙏🙏👍. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વધુ પડતા મોબાઈલના ઉપયોગને કારણે આ બાળક ગાંડો થઈ ગયો તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને સ્ક્રીન પર @LAKHAN_DADA_MANE_7777 લખેલું જોવા મળ્યું હતું. જેને અમે ઈન્સ્ટાગ્રામ પર સર્ચ કરતાં અમને ઓરિજીનલ ID પ્રાપ્ત થયું હતું.
હવે આ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપવામાં આવેલી માહિતી પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, લખન દાદા માને એ એક કન્ટેટ ક્રિએટર છે અને આ રીતે ઘણા બધા વીડિયો મનોરંજન તેમજ લોકજાગૃતિ માટે બનાવે છે. તેમના પેજ પર તમે આવા અનેક વીડિયો જોઈ શકો છો.
તેમના ઈન્સ્ટાગ્રામ પેજ પર મૂકવામાં આવેલા ઘણા બધા વીડિયોમાં તમે આ બાળક અને તેમને પોતે એક્ટિંગ કરતા જોઈ શકો છો. વધુમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો તેમના દ્વારા 18 જૂન, 2024 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
અમારી વધુ તપાસમાં અમે સીધો જ લખન દાદા માનેનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “આ વીડિયોમાં તેઓએ પોતે જ એક્ટિંગ કરેલી છે અને તેઓએ જ આ વીડિયો લોકજાગૃતિ માટે બનાવ્યો છે. આ કોઈ વાસ્તવિક ઘટના નહીં પરંતુ એક સ્ક્રિપ્ટેડ વીડિયો છે.”
ત્યાર બાદ લખન દાદા માનેએ અમને એક સ્પષ્ટતા કરતો વીડિયો પણ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. જેમાં તેઓ કહી રહ્યા છે કે, આ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ એક સ્ક્રીપ્ટેડ વીડિયો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વધુ પડતા મોબાઈલના ઉપયોગને કારણે ગાંડા જેવા થઈ ગયેલા બાળકનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ કાલ્પનિક રીતે લોકજાગૃતિ માટે બનાવવામાં આવેલો સ્ક્રિપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770)પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitterપર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો વધુ પડતા મોબાઈલના ઉપયોગને કારણે ગાંડા થઈ ગયેલા બાળકના વાયરલ વીડિયોનું શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: Misleading
