
હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા ખૂબ જ ઉગ્ર થઈ અને એક દુકાનમાં ટેબલ વડે તોડફોડ કરી રહી છે અને દુકાનમાં રહેલા વ્યક્તિને બહાર આવવા લલકાર કરી રહી છે અને અંતમાં જણાવે છે કે, તેની સાથે ચિટિંગ કર્યુ છે. બે છોકરાનો બાપ હોવા છતા આ દુકાનમાં રહેલા વ્યક્તિએ તેની સાથે આર્યસમાજ વિધિથી લગ્ન કર્યા હતા. તેમજ પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો હતો કે, આ યુવતી સાથે છેતરપિંડી કરનાર મુસ્લિમ યુવાન છે.
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ મહિલા સાથે મુસ્લિમ યુવકે છેતરપિંડી કરી હોવાની વાત તદ્દન ખોટી છે. આ મહિલા સાથે આંનદ પાટીલ નામના યુવાન દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાનું મહિલા દ્વારા જણાવવામાં આવ્યુ છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Dhanji Patidar Unjha નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ઓક્ટોબર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી મહિલા સાથે લગ્ન કરી છેતરપિંડી કરનાર યુવાન મુસ્લિમ છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ભોપાલસમાચારનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો.
જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ ઘટના ઈન્દોરમાં બનવા પામી હતી. આ પાર્લરના સંચાલક દ્વારા મહિલા સાથે ખોટુ બોલી લગ્ન કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે તે પોતે અનાથ છે. પરંતુ ખરેખર તે બે સંતાનોનો પિતા હતો. જે અંગેની જાણ મહિલાને થતા તેમના દ્વારા પાર્લર પર જઈ તોડફોડ કરવામાં આવી હતી અને આ સંચાલકને માર પણ મારવામાં આવ્યો હતો.” જે સંપૂર્ણ અહેવાલ તમે નીચે વાંચી શકો છો.
તેમજ ગૂગલ પર સર્ચ કરતા અમને ભાસ્કર દ્વારા પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ મહિલાએ પાર્લર પર કરેલી ધમાલ અંગે જ્યારે પોલીસને જાણ થઈ હતી ત્યારે પોલીસ આ મહિલાને અને પાર્લર સંચાલકને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જે અંગે ભંવરકુઆ પોલીસ સ્ટેશનના એએસઆઈ જગદીશ માલવિય દ્વારા નિવેદન આપવામાં આવ્યુ હતુ કે, “યુવતીએ જણાવ્યુ હતુ કે, બાંગડદામાં રહેતા અને મિલ્ક પાર્લરના સંચાલકનું નામ આનંદ પાટીલ છે. વર્ષ 2017માં આર્ય સમાજ મંદિરમાં તેમણે લગ્ન કર્યા હતા. જ્યારે જૂન મહિનામાં આ મહિલાને જાણ થઈ હતી કે, આનંદ પાટીલ બે સંતાનોનો પિતા છે.”
તેમજ એમપી બ્રેકિંગ ન્યુઝ સાથેની વાતચીતમાં આ મહિલાએ જણાવ્યુ હતુ કે, “તેનું નામ નેહા પાટિલ અને તેના પતિનું નામ આનંદ પાટિલ છે. આનંદના પહેલા લગ્ન વર્ષ 2010માં જ થઈ ગયા હતા. પરંતુ તેણે આ વાત નેહાથી છુપાવી રાખી અને પોતે અનાથ હોવાનો દાવો કરીને વર્ષ 2017માં તેની સાથે લગ્ન કર્યા હતા.” આ નિવેદન તમે નીચે સાંભળી શકો છો.
તેમજ લોકલ ન્યુઝ ચેનલ પોલીસ વાલા વેબ ન્યુઝ દ્વારા પણ આ મહિલાનું નિવેદન તેમની ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યુ હતુ. જે તમે નીચે સાંભળી શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી મહિલા સાથે મુસ્લિમ યુવકે છેતરપિંડી કરી હોવાની વાત તદ્દન ખોટી છે. આ મહિલા સાથે આંનદ પાટીલ નામના યુવાન દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાનું મહિલા દ્વારા જણાવવામાં આવ્યુ છે.

Title:શું ખરેખર મુસ્લિમ યુવાન દ્વારા આ મહિલા સાથે છેતરપિંડી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: Partly False
