
Hitesh V. Thummar નામના ફેસબુક યુઝર દ્વારા 9 ઓગષ્ટ, 2019 ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કમજોર વ્યક્તિ એ આ વિડિયો ના જોશો ??Bombay માં રહેજા, ઇન્ફીનીટી મોલ ની પાછળ, અંધેરી-ઇસ્ટ, મુંબઈ. લાગી ભિષણ આગ.. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો મુંબઈમાં રહેજા ખાતે ઈન્ફિનીટી મોલની પાછલ લાગેલી આગનો છે. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને એક વ્યક્તિએ લાઈક કરી હતી. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.વધુમાં અમને એ જાણવા મળ્યું હતું કે આજ વ્યક્તિ દ્વારા ફેસબુક પર 10 ઓગષ્ટ, 2019 ના રોજ આ વીડિયો વોચ પાર્ટી તરીકે અપલોડ કરવામાં આવ્યો હતો. જેને 37 લોકોએ લાઈક કર્યો હતો, 10 લોકોએ તેના પર પોતાના મત રજૂ કર્યા હતા તેમજ 47 લોકોએ આ વીડિયોને શેર પણ કર્યો હતો. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ વીડિયો મુંબઈમાં રહેજા સ્થિત ઈન્ફિનીટી મોલની પાછળ લાગેલી આગનો છે કે કેમ? તેની માહિતી મેળવવા માટે અમે સૌપ્રથમ ગુગલનો સહારો લઈ मुंबई रहेजा स्थित ईन्फिनीटी मोल के पीछे लगी आग સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરના પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ મુંબઈના રહેજા સ્થિત ઈન્ફિનીટી મોલની પાછળ લાગેલી આગ અંગેની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ આ પરિણામોમાં અમને આજ તક દ્વારા 22 જુલાઈ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં બાન્દ્રા સ્થિત MTNL બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટનાની માહિતી આપવામાં આવી હતી. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમે જુદા જુદા કીવર્ડ દ્વારા આ માહિતીને શોધવાની કોશિશ કરતાં અમને 28 માર્ચ, 2019 ના રોજ ધ ગાર્ડિયન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવું લખવામાં આવ્યું હતું કે, બાંગ્લાદેશના ઢાકામાં 22 માળની બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં લગભગ 19 લોકોના મોત થયા હતા. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને તમે આ સમાચારમાં તમે નીચે જોઈ શકો છો.

આ ઉપરાંત અમારી વધુ તપાસમાં અમને CNA દ્વારા બાંગ્લાદેશના ઢાકામાં 22 માળના બિલ્ડિંગમાં લાગેલી આગના અન્ય એક વીડિયો સમાચાર પ્રાપ્ત થયા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ વીડિયો મુંબઈનો નહીં પરંતુ બાંગ્લાદેશના ઢાકા શહેરનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મુંબઈના રહેજા સ્થિત ઈન્ફિનીટી મોલની પાછળ લાગેલી આગનો નહીં પરંતુ બાંગ્લાદેશના ઢાકા શહેરમાં 22 માળની એક બિલ્ડિંગમાં લાગેલી આગનો છે.
છબીઓ સૌજન્ય : ગુગલ

Title:શું ખરેખર આ વીડિયો મુંબઈમાં રહેજા સ્થિત ઈન્ફિનીટી મોલ પાછળ લાગેલી આગનો છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
