શું ખરેખર થર્મોકોલમાંથી ડુપ્લીકેટ ખાંડ બનાવવાનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, થર્મોકોલમાંથી ડુપ્લીકેટ ખાંડ બનાવવાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ થર્મોકોલના રિસાયક્લિંગનો છે. આ વીડિયોને ખાંડ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

ગુજરાતી લાલો – Gujarati Lalo નામના ફેસબુક પેજ દ્વારા 23 ડિસેમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, થર્મોકોલ ના પૂંઠા મા થી બનાવાટી ડુપ્લીકેટ ખાંડ.… પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, થર્મોકોલમાંથી ડુપ્લીકેટ ખાંડ બનાવવાનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 19 ઓક્ટોબર, 2020 ના રોજ Enterpreneur India TV નામની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ સંપૂર્ણ વીડિયો જોયા પછી અમને જાણવા મળ્યું હતું કે, તેમાં દેખાડવામાં આવેલા દ્રશ્યો વાયરલ થઈ રહેલા વીડિયો જેવા જ છે. 

યુટ્યુબ પરના વીડિયોમાં તમે જોઈ શકો છો કે, માઈક્રો ગાર્ટેક્સ ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીના માલિક શાંતિલાલ જૈન તેમના થર્મોકોલ રિસાયક્લિંગ બિઝનેસ અને પ્લાન્ટ વિશે માહિતી આપી રહ્યા છે.

આ વીડિયોમાં તેમણે થર્મોકોલનું રિસાયકલ કેવી રીતે કરવું, કેટલી જગ્યા, કેટલા કર્મચારીઓ, આ બિઝનેસમાં કેટલી રકમ જોઈએ એ જણાવ્યું છે.

Archive

ત્યાર બાદ ફેક્ટ ક્રેસેન્ડોએ શાંતિલાલ જૈનના પુત્ર સ્વયમ જૈન સાથે વાત કરી. જ્યારે અમે તેમને વાયરલ થઈ રહેલો આ વીડિયો મોકલ્યો ત્યારે તેઓએ અમને જણાવ્યું હતું કે, આ વીડિયો થર્મોકોલ રિસાયક્લિંગનો છે.

સ્વયમ જૈને વધુમાં જણાવ્યું હતું કે, લોકો થર્મોકોલને રિસાયક્લિંગ કરતા હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અને તેમાંથી તેઓ પ્લાસ્ટિકના દાણા બનાવી રહ્યા છે. તે ખાંડની જેમ પારદર્શક દેખાતા હોવાથી લોકોને થર્મોકોલમાંથી નકલી ખાંડ બનાવવામાં આવી રહી હોવાનું માની રહ્યા છે. આ પ્લાસ્ટિક દાણામાંથી માત્ર પ્લાસ્ટિકની વસ્તુઓ જ બનાવવામાં આવે છે. અને થર્મોકોલ રિસાયક્લિંગની સાચી પ્રક્રિયા વીડિયોમાં જણાવવામાં આવી રહી છે. તેથી તેની સાથે કરવામાં આવેલો દાવો તદ્દન ખોટો છે.

તમને જણાવી દઈએ કે, માઈક્રો ગાર્ટેક્સ ઈન્ડસ્ટ્રીઝ કંપની પાસે થર્મોવેસ્ટ સોલ્યુશન્સ નામનો થર્મોકોલ રિસાયક્લિંગ પ્લાન્ટ છે. સ્વયમ જૈને અમને એ પ્લાન્ટના ફોટો અને વીડિયો મોકલ્યા છે.

સ્વયમ જૈને અમને પોતાનો એક વીડિયો પણ મોકલ્યો છે જેમાં તેઓ થર્મોકોલ પ્લાન્ટમાં રિસાયક્લિંગ કેવી રીતે થાય છે તેની માહિતી આપી રહ્યા છે.

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ની વેબસાઈટ પર 18 જુલાઈ, 2017 ના રોજનો એક અહેવાલ જોવા મળ્યો હતો. જેમાં ધ હિન્દુ બિઝનેસ લાઈનના એક સમાચાર લેખને ટાંકીને જણાવ્યું છે કે, સરકારે સંસદને જાણ કરી હતી કે, દેશમાં ચોખા, ખાંડ અને ઈંડામાં પ્લાસ્ટિકની હાજરીનો કોઈ ચોક્કસ કેસ જોવા મળ્યો નથી

વાયરલ વીડિયો ક્યાંનો છે તેની પુષ્ટિ થઈ શકી નથી. જો કે, આ પ્રક્રિયા થર્મોકોલને રિસાયકલ કરીને પ્લાસ્ટિકના દાણા બનાવવાની છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ થર્મોકોલના રિસાયક્લિંગનો છે. આ વીડિયોને ખાંડ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર થર્મોકોલમાંથી ડુપ્લીકેટ ખાંડ બનાવવાનો આ વીડિયો છે…?

Fact Check By: Vikas Vyas 

Result: False