
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એન્જિન અને ડ્રાઈવર વગર પાટા પર ચાલી રહેલી ટ્રેનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોદી સરકારમાં એન્જિન અને ડ્રાઈવર વગર પાટા પર ટ્રેન દોડી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં એન્જિન અને ડ્રાઈવર વગર પાટા પર ચાલી રહેલી ટ્રેનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અધૂરી માહિતી સાથેનો છે. વાસ્તવિક ઘટનામાં એવું બન્યું હતું કે, એક માલગાડી દ્વારા પાટા પર એજિન વગર ઉભેલી એક ટ્રેનને જોરથી ધક્કો મારવામાં આવતાં આ ટ્રેન લગભગ 200 મીટર જેટલી પાટા પર ચાલી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ વીડિયો ખોટી અને અધૂરી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 1 નવેમ્બર, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, એન્જિન વગર ચાલતી ટ્રેન…..ભારત એક માત્ર દેશ…મોદી હૈ તો મુમકિન હૈ… આ લખામમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મોદી સરકારમાં એન્જિન અને ડ્રાઈવર વગર પાટા પર ટ્રેન દોડી રહી છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો સાથેના સમાચાર અમને aajtak.in દ્વારા 4 સપ્ટેમ્બર, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ સમાચારમાં એ માહિતી આપવામાં આ હતી કે, ઝારખંડના સાહિબગંજ જિલ્લામાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. બરહડવા રેલવે સ્ટેશનના રેલ્વે ટ્રેક પર ચાર ડબ્બા એન્જીન વગર પાટા પર દોડવા લાગ્યા હતા. માલગાડીની રેક પણ તેમની પાછળ દોડવા લાગી હતી. ઘટના એવી બની હતી કે, માલગાડીનો બીજો ડબ્બો રેલવે ટ્રેક પર ઉભેલી ટ્રેનના ચાર ડબ્બા સાથે અથડાયો હતો, જેના કારણે ડબ્બા પણ રેલ્વે ટ્રેક પર દોડવા લાગ્યા હતા. એન્જિન વગરનો ટ્રેનનો કોચ બરહડવા-રાજમહેલ રોડને પાર કરીને લગભગ 200 મીટર સુધી ચાલીને બરહડવા સ્ટેશનના મુખ્ય પ્લેટફોર્મ પાસે પહોંચ્યો હતો.

આજ માહિતી અને વીડિયો સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. ndtv.in | m.punjabkesari.in
આજ સમાચાર TV9 Bharatvarsh દ્વારા 4 સપ્ટેમ્બર, 2023 દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં એન્જિન અને ડ્રાઈવર વગર પાટા પર ચાલી રહેલી ટ્રેનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અધૂરી માહિતી સાથેનો છે. વાસ્તવિક ઘટનામાં એવું બન્યું હતું કે, એક માલગાડી દ્વારા પાટા પર એજિન વગર ઉભેલી એક ટ્રેનને જોરથી ધક્કો મારવામાં આવતાં આ ટ્રેન લગભગ 200 મીટર જેટલી પાટા પર ચાલી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title:જાણો એન્જિન અને ડ્રાઈવર વગર પાટા પર ચાલી રહેલી ટ્રેનના વાયરલ વીડિયોનું શું છે સત્ય…
Written By: Vikas VyasResult: Missing Context
