
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક લટકતા પુલ પર લોકોની ભીડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, લોકો સમજતા નથી ને આ રીતે પુલ પર આટલા બધા ભરાય ને પછી કોઈ દુર્ઘટના ઘટે તો સરકારનું નામ આવે અથવા તો પુલ બનાવનારી કંપનીનું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં લોકોની ભીડથી ભરેલા લટકતા પુલનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ભારતનો નહીં પરંતુ નેપાળનો છે. આ વીડિયોને બારત સાથે કોઈ જ સંબંધ નથી. સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા અધૂરી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
मनोज हिंदुस्तानी નામના ફેસબુક યુઝર દ્વારા 23 જૂન, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, બોલો…. લોકો પોતે જાગૃત નથી થતા…..પોતાના જીવની નથી પડી… ના કરે નારાયણ.. ને કોઈ દુર્ઘટના થાય તો…પછી લોકો સરકારને… પૂલ બનાવનારી કંપનીને… દોસ દે…. જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, લોકો સમજતા નથી ને આ રીતે પુલ પર આટલા બધા ભરાય ને પછી કોઈ દુર્ઘટના ઘટે તો સરકારનું નામ આવે અથવા તો પુલ બનાવનારી કંપનીનું.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના સહારાથી સર્ચ કરતાં અમને INFO MEDIA દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 17 એપ્રિલ, 2021 ના રોજ યુટ્યુબ પર મૂકવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો નેપાળ ખાતે આવેલા પુલનો છે.
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અન્ય એક યુટ્યુબ યુઝર દ્વારા પણ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી.
23 એપ્રિલ, 2021ના રોજ Stuff વેબસાઈટ પર પ્રકાશિત થયેલા અહેવાલમાં પણ આવો જ એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી છે કે, આ દ્રશ્ય નેપાળી નવા વર્ષના દિવસનું છે. તે દિવસે હજારો લોકો તે પુલ પરથી પસાર થઈને મંદિરે જઈ રહ્યા હતા.
વધુ તપાસમાં અમે ગુગલ પર જુદા-જુદા કીવર્ડ્સથી સર્ચ કરી સાંગામાં સ્થિત આ પુલના વધુ ફોટા શોધવાનો પ્રયાસ કરતાં અમને શટરસ્ટોકની વેબસાઇટ પર પ્રકાશિત આ પુલનો ફોટો મળ્યો હતો.

વધુમાં અમને ગુગલ મેપ પર પણ આ પુલનો ફોટો પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં લોકોની ભીડથી ભરેલા લટકતા પુલનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ભારતનો નહીં પરંતુ નેપાળનો છે. આ વીડિયોને બારત સાથે કોઈ જ સંબંધ નથી. સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા અધૂરી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.

Title:જાણો લોકોની ભીડથી ભરેલા પુલના વાયરલ વીડિયોનું શું છે સત્ય….
Written By: Vikas VyasResult: Missing Context
