
તાજેતરમાં રેલી પર થયેલી પથ્થરમારાની ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાબાસાહેબ આંબેડકરની રેલી પર મુસ્લિમો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ મથુરા ખાતે બનેલી ઘટનાનો છે જેમાં બાબાસાહેબ આંબેડકરની રેલી પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો પરંતુ તેઓ મુસ્લિમ નહતા. પોલીસ દ્વારા તરત જ સ્થિતિ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો અને આ ઘટના કોમી રમખાણ ન હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
બ્લેક કોહીનૂર નામના ફેસબુક યુઝર દ્વારા 16 એપ્રિલ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ભીમ અને મિમ એકતા ની વાતો કરવા વાળા આ વીડિયો જોઈ લેજો જેમાં બાબા સાહેબની રેલી પર પત્થર મારો કરવામાં આવ્યો અને રેલી રોકવામાં આવી હતી . પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાબાસાહેબ આંબેડકરની રેલી પર મુસ્લિમો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર અમને દૈનિક ભાસ્કર દ્વારા પર 15 એપ્રિલ, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, શુક્રવારના રોજ મથુરાના જૈત પોલીસમથકની હદમાં આવેલા ભરતીયા ગામમાં બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે એખ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ રેલી ક્ષત્રિય સમાજના વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે પથ્થરમારાની ઘટના બની હતી અને બબાલ થઈ હતી. બંને પક્ષો તરફથી એકબીજા પર પથ્થરમારો કરવામાં આવતાં પોલીસે તાત્કાલિક ધોરણે પગલાં લઈને મામલો થાળે પાડ્યો હતો.

આજ વીડિયો સાથેના સમાચાર અમને અન્ય કેટલાક મધ્યમો પર પણ પ્રાપ્ત થયો હતો. જે તમે અહીં જોઈ શકો છો. Republic Bharat | News 18 India | Live Hindustan
ઉપરોક્ત કોઈ પણ સમાચારમાં અમને રેલી પર મુસ્લિમ સમાજ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હોય એવી કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી. વધુમાં અમને અવધેશ કુમાર નામના એક પત્રકાર દ્વારા આજ વીડિયો તેના સત્તાવાર ટ્વિટર પર અપલોડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં એવું લખવામાં આવ્યું હતું કે, બાબાસાહેબ આંબેડકરની રેલી પર કેટલાક સવર્ણો દ્વારા પથ્થરમારો કરવામાં આયો હતો.
અમારી વધુ તપાસમાં અમને મથુરા પોલીસ દ્વારા કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં મથુરાના ASP દ્વારા આ ઘટના અંગે આપવામાં આવેલી બાઈટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ તેઓ રેલી પર મુસ્લિમ સમાજના લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનું ક્યાંય બોલી રહ્યા નથી.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે મથુરાના જૈત પોલીસ મથકના SO અજય વર્માનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ પર રેલી નીકાળવામાં આવી હતી તેના પર મુસ્લિમ સમાજના લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની માહિતી તદ્દન ખોટી છે. આ ઘટનામાં હિંદુ સમાજના બે જૂથો વચ્ચે સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જોકે પોલીસ પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે સ્થિતિ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
વધુમાં તેઓએ એ પણ જણાવ્યું હતું કે, “મથુરાના એસએસપી દ્વારા બાબાસાહેબની રેલી પર પથ્થરમારો કરવાની ઘટનાને લઈ તાત્કાલિક ધોરણે જૈતના થાણા પ્રભારી અને અઝાઈના ચોકી પ્રભારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઘટનામાં દલિત સમાજ અને ક્ષત્રિય સમાજ વચ્ચે ઘર્ષણની ઘટના બની હતી. જેમાં પોલીસે કાર્યવાહી કરતાં 3 લોકોને પકડી લીધા છે. આ સમગ્ર ઘટનામાં ક્યાંય પણ હિંદુ-મુસ્લિમ કોમીની બાબાત નથી.”
આ સમગ્ર ઘટનાની FIR કોપી પણ અમને પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.
Jai-Bheem-Rally-Mathura-FIRવધુમાં અમે મથુરા ખાતે સ્થાનિકનો પણ સંપર્ક કરતાં તેમના દ્વારા પણ અમને આ ઘટનામાં હિંદુ-મુસ્લિમનો કોઈ મુદ્દો ન હોવાનું જણાવવામાં આવ્યું હતું.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ મથુરા ખાતે બનેલી ઘટનાનો છે જેમાં બાબાસાહેબ આંબેડકરની રેલી પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો પરંતુ તેઓ મુસ્લિમ નહતા. પોલીસ દ્વારા તરત જ સ્થિતિ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો અને આ ઘટના કોમી રમખાણ ન હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો મથુરા ખાતે બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે નીકળેલી રેલી પર થયેલા પથ્થરમારાના વાયરલ વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
