
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખે નાની બાળકીનો ડાન્સ કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઐશ્વર્યા-અભિષેકની પુત્રી આરાધ્યા બચ્ચને જ્હાન્વી કપૂરના ગીત પર ડાન્સ કર્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ડાન્સ કરતી બાળકીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ આરાધ્યા બચ્ચનનો નહીં પરંતુ મેંગ્લોરની તાનિયા દલસાનિયા નામની બાળકીનો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Gujarat Trend નામના ફેસબુક પેજ દ્વારા 23 ઓક્ટોમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ઐશ્વર્યા-અભિષેકની પુત્રી આરાધ્યા બચ્ચને જ્હાન્વી કપૂરના ગીત પર ડાન્સ કર્યો -વિડિયો. પોસ્ટમાં મૂકવામાં આવેલા અહેવાલના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઐશ્વર્યા-અભિષેકની પુત્રી આરાધ્યા બચ્ચને જ્હાન્વી કપૂરના ગીત પર ડાન્સ કર્યો તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો Tania & Sony નામના ફેસબુક પેજ પર 7 એપ્રિલ, 2021 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ પેજ પરના અન્ય વીડિયો અને માહિતી પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, આ વીડિયો તાનિયા અને સોની નામની એક માતા-પુત્રીની જોડી છે તેમનો છે. પેજ પર મૂકવામાં આવેલી વધુ માહિતી પરથી એ પણ જાણવા મળ્યું હતું કે, આ માતા-પુત્રીની જોડી કર્ણાટકના મેંગ્લોર ખાતે રહે છે.
ત્યાર બાદ અમે જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને આજ વીડિયો TANIA & SONY નામની એક યુટ્યુબ ચેનલ પર પણ 9 એપ્રિલ, 2021 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. આ ચેનલ પરના અન્ય વીડિયો અને તેના વિશેની માહિતી પરથી પણ અમને એજ જાણવા મળ્યું હતું કે, વીડિયોમાં જે બાળકી ડાન્સ કરી રહી છે એ તાનિયા જ છે.
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો tania_and_sony નામના ઈન્સ્ટાગ્રામ પર પણ 8 એપ્રિલ, 2021 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે તાનિયાની માતા જયશ્રી સાથે સંપર્ક કરતાં તેઓએ અમને એક મેઈલના જવાબમાં કહ્યું હતું કે, “આ વીડિયો મારી દીકરી તાનિયા દલસાનિયાનો છે.”
નીચે તમે તાનિયા અને આરાધ્યા બચ્ચનના ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ડાન્સ કરતી બાળકીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ આરાધ્યા બચ્ચનનો નહીં પરંતુ મેંગ્લોરની તાનિયા દલસાનિયા નામની બાળકીનો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:મેંગ્લોરની ડાન્સ કરતી બાળકીનો વીડિયો આરાધ્યા બચ્ચનના નામે વાયરલ…
Fact Check By: Vikas VyasResult: False
