શું ખરેખર ગુજરાતના ભરૂચમાં નકલી દૂધ બનાવવામાં આવી રહ્યુ છે…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, એક વ્યક્તિ કેમિકલ ભરેલી બોટલ માંથી નાની પ્યાલીમાં થોડુ કેમિકલ નાખે છે જેના બાદમાં સફેદ કલરનુ દૂધ જેવુ પ્રવાહી બહાર નીકળતુ જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભરૂચ જીઆઈડીસીમાં નકલી દૂધ બનાવવામાં આવી રહ્યુ છે. જેનો આ વિડિયો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળતો સફેદ પદાર્થ દૂધ નહિં પરંતુ ફિનાયલ છે. નકલી દૂધની વાત ઉપજાવી કાઢવામાં આવી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Shaikh Asif નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 03 જૂન 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભરૂચ જીઆઈડીસીમાં નકલી દૂધ બનાવવામાં આવી રહ્યુ છે. જેનો આ વિડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive  

Facebook | Facebook

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ વિડિયો વર્ષ 2020થી સોશિયલ મિડિયા પર ઉપલબ્ધ છે. જે તમે નીચે જોઈ શકો છો.

ત્યારબાદ અમે ડ્રમ પર લખેલ પિનકોડ ચેક કર્યો. 393002 એ અંકલેશ્વર માટેનો પીન કોડ છે, જે ગુજરાતના ભરૂચનો ઔદ્યોગિક વિસ્તાર છે. તે ગુજરાતના ‘તેલના શહેર’ તરીકે પણ ઓળખાય છે, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) ડ્રમ પર પણ લખેલું છે. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ અમારી પડતાલને અમે આગળ વધારી હતી દરમિયાન અમને આના જેવા ઘણા વિડિયો મળ્યા, જ્યાં દૂધ જેવું સફેદ પ્રવાહી મિશ્રણ બનાવવા માટે ઘાટા પ્રવાહી રસાયણમાં પાણી ઉમેરવામાં આવે છે. તે વિડિયો ફિનાઈલની ઘરેલુ તૈયારીનો છે, દૂધનો નહીં. તમે આ વિડિઓ આ લિંક અને આ લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો.

ઔદ્યોગિક વિસ્તારમાં GIDC હેઠળ અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (AIA)ના ભાગરૂપે 2000 થી વધુ ઉદ્યોગો નોંધાયેલા છે. ઉદ્યોગોમાં જંતુનાશકો, રંગ, રસાયણો અને ફાર્માસ્યુટિકલ્સ જેવા ઉત્પાદનો માટે રાસાયણિક અને ઉત્પાદન પ્લાન્ટનો સમાવેશ થાય છે.

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોશિયેશનના પ્રમુખ રમેશ ગાબાણીનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ ઘટના અંકલેશ્વર જીઆઈડીસીમાં બનવા પામી નથી. આ તદ્દન ખોટી વાત છે. આ વિડિયો ઘણા વર્ષોથી સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને વિડિયોમાં જે પ્રોસેસ બતાવવામાં આવી રહી છે. તે પ્રોસેસથી દૂધ નહિં પરંતુ ફિનાયલ બનાવી રહ્યા છે. આ વિડિયોમાં દૂધ બનવાનો કરવામાં આવેલો દાવો ખોટો છે.

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનના પીઆઈ કરમટિયાનો સંપર્ક સાધ્યો હતો, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ  પ્રકારની કોઈ ઘટના અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં બનવા પામી નથી, તેમજ આ પ્રકારે કોઈ ફરિયાદ પણ અમારા પોલીસ સ્ટેશનમાં હજુ સુધી આવી નથી.” 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળતો સફેદ પદાર્થ દૂધ નહિં પરંતુ ફિનાયલ છે. નકલી દૂધની વાત ઉપજાવી કાઢવામાં આવી છે.

Avatar

Title:શું ખરેખર ગુજરાતના ભરૂચમાં નકલી દૂધ બનાવવામાં આવી રહ્યુ છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False