કોલકતા બળાત્કારના કેસના વિરોધમાં ડાન્સ કરતી આ મહિલા જાણો કોણ છે....
કોલકતાની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા ડોકટરના બળાત્કાર અને હત્યાના ગુનામાં સમગ્ર દેશમાં આક્રોશ છે ત્યારે આ પૃષ્ટભૂમિ પર આ કેસનો વિરોધ નોધવતી એક યુવતીનો ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોલકતામાં બનેલા બનાવના વિરોધમાં ડાન્સ કરી રહેલી આ મહિલા ડોકટર છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 19 સપ્ટેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કોલકતામાં બનેલા બનાવના વિરોધમાં ડાન્સ કરી રહેલી આ મહિલા ડોકટર છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ટોલીવુડ ન્યુઝ રાજા નામની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “કોલકાતા ડૉક્ટર વિરોધ માટે અભિનેત્રી મોક્ષાનું શક્તિશાળી ભદ્રકાલી ડાન્સ પર્ફોર્મન્સ જુઓ.”
તેમજ વધુ સર્ચ કરતા અમને ઈન્ડિયા ટુડે દ્વારા પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “કોલકાતામાં આરજી કાર રેપ-મર્ડર કેસ સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન, અભિનેત્રી મોક્ષ સેનગુપ્તાએ 31 ઓગસ્ટના દક્ષિણ કોલકાતાના સંતોષપુરમાં એક NGO દ્વારા આયોજિત સ્ટ્રીટ પરફોર્મન્સમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા કવિ કાઝી નઝરૂલ ઇસ્લામના ગીત પર જોરદાર ડાન્સ કર્યો હતો. આ પછી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.”
તેમજ અમારી પડતાલને આગળ વધારતા અમને મોક્ષ સેનગુપ્તાના ઓફિશિયલ ઈન્સટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેને શેર કરીને મોક્ષ સેનગુપ્તાએ જણાવ્યુ હતુ કે, “જ્યારે સિસ્ટમ પાસે કોઈ જવાબ નથી, ત્યારે રસ્તાઓ પર વિરોધ કરીને લાગણીઓ દ્વારા પોતાની વાત વ્યક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આમાં કોઈ યોગ્ય કોરિયોગ્રાફી નથી, માત્ર વર્તમાન ગુસ્સો છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. વીડિયોમાં જોવા મળતી આ યુવતીનું નામ મોક્ષ સેનગુપ્તા છે, તે વ્યવસાયે અભિનેત્રી છે અને દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)