
દિલ્હીમાં પ્રજાસત્તાક દિન પર આંદોલનકારી ખેડુતો અને દિલ્હી પોલીસ વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ સોશિયલ મિડિયા પર એક વિડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે વિડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, “કિસાન આંદોલનમાં ભાગ લેવા આવી રહેલી વૃધ્ધ મહિલાઓ પર ભાજપના કાર્યકર દ્વારા ટ્રેક્ટર ચડાવી દેવામાં આવ્યુ.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ ઘટના 26 જાન્યુઆરી, 2021 ના રોજ અમૃતસરમાં બની હતી. અમૃતસર શહેર પોલીસ અધિકારીએ પુષ્ટિ કરી છે કે તે એક સ્થાનિક અકસ્માત હતો અને આ ઘટનાનો કોઈ રાજકીય પક્ષ કે ખેડૂત આંદોલન સાથે કોઈ સંબંધ નથી, આ અકસ્માત ડ્રાઇવર દ્વારા ટ્રેકટરનો કાબૂ ગુમાવતા થયો હતો.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Vijay Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 જાન્યુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કિસાન આંદોલનમાં ભાગ લેવા આવી રહેલી વૃધ્ધ મહિલાઓ પર ભાજપના કાર્યકર દ્વારા ટ્રેક્ટર ચડાવી દેવામાં આવ્યુ.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને અનેક સમાચાર અહેવાલો પ્રાપ્ત થયા હતા જે અનુસાર, “અમૃતસરના વલ્લાહમાં મહિલાઓના જૂથ્થ ઉપર પાણીનો ટેન્કર પલટી જતા બે મહિલાઓ મરી ગઈ અને ત્રણ મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ સમાચારોમાં આ ઘટના સાથે ભાજપના કોઈ કાર્યકરનું કોઈ જોડાણ હોવાનો ઉલ્લેખ ન હતો.”
ફેક્ટ ક્રેસેન્ડોએ વલ્લાહના એસએચઓ સંજીવ કુમારનો સંપર્ક સાધ્યો, જેમણે અમને કહ્યું કે “સોશિયલ મિડિયા પર દેખાતા વિડિયો સાથે આ ઘટનાનો કોઈ રાજકીય પક્ષ સાથે કોઈ સંબંધ નથી. અમે ડ્રાઇવરની ધરપકડ કરી છે. વલ્લાહ પોલીસ સ્ટેશનમાં પણ કેસ નોંધવામાં આવ્યો હતો. ટ્રેક્ટર ચલાવનાર વ્યક્તિ મિકેનિક હોવા સાથે એક નાનો કોન્ટ્રાક્ટર પણ છે. તેના મજૂર સ્થળ પર કામ કરી રહ્યા હતા અને તેમને પાણીની જરૂર હોવાથી તે વ્યક્તિ એક ટ્રેક્ટર લઈ ગયો અને પાણી લાવવા માટે લઈ ગયો, તે ટ્રેક્ટર ડ્રાઇવર નથી અને ટ્રેક્ટરને યોગ્ય રીતે ચલાવતો ન હતો જેને કારણે આ અકસ્માત સર્જાયો હતો. અમે કરેલી તપાસના આધારે, હું તમને સ્પષ્ટ કહી શકું છું કે તે ભાજપના કાર્યકર નથી. અમે તેની ધરપકડ કરી હતી અને તે બે દિવસના પોલીસ રિમાન્ડ પર હતો અને હવે તે જ્યુડિસિયલ કસ્ટડીમાં છે.“
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ ઘટના 26 જાન્યુઆરી, 2021 ના રોજ અમૃતસરમાં બની હતી. અમૃતસર શહેર પોલીસ અધિકારીએ પુષ્ટિ કરી છે કે તે એક સ્થાનિક અકસ્માત હતો અને આ ઘટનાનો કોઈ રાજકીય પક્ષ કે ખેડૂત આંદોલન સાથે કોઈ સંબંધ નથી, આ અકસ્માત ડ્રાઇવર દ્વારા ટ્રેકટરનો કાબૂ ગુમાવતા થયો હતો.

Title:શું ખરેખર ભાજપાના કાર્યકર્તા દ્વારા મહિલાઓને ટ્રેક્ટર નીચે કચડવામાં આવી…?
Fact Check By: Yogesh KariaResult: False
