
Parag Bhartiya નામના ફેસબુક યુઝર દ્વારા 20 નવેમ્બર, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, વડોદરા ગઈ કાલ રાત્ર નો મોત નો બનાવ 👇👇👇 *જોવો વીડિયો માં*. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો વડોદરાનો છે અને 19 નવેમ્બર, 2019 ના રોજ આ બનાવ બન્યો હતો. આ પોસ્ટને એક વ્યક્તિએ લાઈક કરી હતી. 377 લોકો દ્વારા આ વીડિયોને જોવામાં આવ્યો હતો. તેમજ 11 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વડોદરાનો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડ સાથે સર્ચ કરતાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે સીધો જ સંપર્ક વડોદરા રેલવે પોલીસ કંટ્રોલ રૂમનો કરીને આ સમગ્ર ઘટના અંગેની વાત કરતાં ફરજ પરના અધિકારીએ અમને જણાવ્યું હતું કે, “આ પ્રકારની કોઈ જ ઘટના હાલમાં વડોદરા શહેરમાં બની નથી. આ વીડિયો ક્યાંનો છે એ અમને ખબર નથી પરંતુ આ વીડિયો વડોદરાનો તો નથી જ.”
ત્યાર બાદ અમે અમારી તપાસને આગળ વધારી હતી અને જુદા જુદા કીવર્ડ સાથે સર્ચ કરતાં અમને હુડસાઈટ નામની એક વેબસાઈટ દ્વારા આ સમાચારને 19 નવેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી છે કે, આ ઘટના પશ્ચિમ બંગાળના માલદા સ્ટેશન પર બની હતી અને ઘટનામાં ભોગ બનનાર યુવકનું નામ બિનોદ બુઈયાન છે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અન્ય એક વબસાઈટ siliguritimes.com દ્વારા 18 નવેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચારની માહિતી મુજબ 40 વર્ષનો બિનોદ બુઈયાન ઝારખંડના રંચીને રહેવાસી છે અને તે તેના પરિવાર સાથે માલદામાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યા હતા. રવિવારના રોજ સાંજના સમયે તેઓ માલદા સ્ટેશન પર આવી પહોંચ્યા હતા. જ્યાં બિનોદ અચાનક જ ફરાક્કા એક્સપ્રેસના એક ડબા પર ચઢી જાય છે ત્યારે ઘણા બધા લોકો તેને નીચે ઉતરવા માટેની બૂમો પણ પાડે છે. છતાં તે માનતો નથી અને તેના માથા પરથી પસાર થતી રેલવેની હાઈવોલ્ટેજ વીજલાઈનને પકડી લે છે અને ત્યાંજ ડબા પર ઢળી પડે છે. ત્યાર બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવે છે પરંતુ ત્યાં તેને ડોક્ટર દ્વારા મૃત ઘોષિત કરવામાં આવે છે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

અમારા સંશોધનને વધુ મજબૂત બનાવવા માટે અમે માલદા રેલવે પોલીસનો સંપર્ક કર્યો હતો. જ્યાં અમારી વાત રેલવેના સહાયક નાયબ નિરીક્ષક અનુપમ સરકાર સાથે થઈ હતી. તેઓએ સમગ્ર ઘટના અંગે ફેક્ટ ક્રેસેન્ડોની ટીમને જણાવ્યું હતું કે, “આ ઘટના માલદા રેલવે સ્ટેશન પર રવિવારના રોજ સાંજના સમયે બની હતી. જેમાં મૃતક બિનોદ ઝારખંડના હજારીબાગનો રહેવાસી હતો. જ્યારે તે પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોતો હતો ત્યારે તેની પત્ની સાથે થયેલા કોઈ વિવાદને પગલે તે ફરાક્કા એક્સપ્રેસના બડા પર ચઢી ગયો હતો અને તેની ઉપરથી પસાર થતા વીજ વાયરને પકડીને આપઘાત કરી લીધો હતો. રેલવે પોલીસ આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.”
આ સંપૂર્ણ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વડોદરાનો નહીં પરંતુ પશ્ચિમ બંગાળના માલદા રેલવે સ્ટેશનનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વડોદરાનો નહીં પરંતુ પશ્ચિમ બંગાળના માલદા રેલવે સ્ટેશનનો છે.
છબીઓ સૌજન્ય : ગુગલ

Title:શું ખરેખર આ વીડિયો વડોદરા રેલવે સ્ટેશન પર બનેલી ઘટનાનો છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
