
તાજેતરમાં સોશિયલ મીડિયા પર કબરમાં રહેલા પીરબાબાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ભારતના એક નકલી પીરબાબાનો છે જે કબરમાં રહીને ધર્મના નામે લોકોને છેતરવાનું કામ કરે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કબરમાં રહેલા પીરબાબાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ પાકિસ્તાનના સિયાલકોટ ખાતે વર્ષ 2020 માં બનેલી ઘટનાનો છે. આ ઘટનાને ભારત સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી અને અધૂરી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Jig’s Patelનામના ફેસબુક યુઝર દ્વારા 23 એપ્રિલ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, પીરના નામે કબરમાંથી જવાબ આપનાર પકડાયો. ધર્મ ગમે તે હોય છેતરનારા દરેક જગ્યાએ મળશે જ. ખાડો ખોદી ને તેમાં રહેવાથી પ્રાણ વાયુ મળી રહે છે. સતત ઑક્સિજન મળી રહે તે માટે આવા લોકો પોલા વાસ (પીણું પીવાની સ્ટરો જેવો) ને એન્ડ સુધી રાખે છે એટલે તેઓ શ્વાસ લઈ શકે. ધર્મનાં નામે આખી જિંદગી બેઠા બેઠા કમાવા માટે થોડી મહેનત કરવી પડે. જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ભારતના એક નકલી પીરબાબાનો છે જે કબરમાં રહીને ધર્મના નામે લોકોને છેતરવાનું કામ કરે છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને એક પાકિસ્તાની ચેનલ 24 News HD દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર 15 ફેબ્રુઆરી, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો પાકિસ્તાનના સિયાલકોટ શહેર ખાતે બનેલી ઘટનાનો છે. જ્યાં નકલી પીરબાબા બનીને લોકોને છેતરી રહેલા વ્યક્તિને પોલીસે પકડી લીધો હતો.
આજ માહિતી સાથેના અન્ય સમાચાર અને વીડિયો પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. arynews.tv |starnewshdonline.com | Facebook | Youtube
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કબરમાં રહેલા પીરબાબાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ પાકિસ્તાનના સિયાલકોટ ખાતે વર્ષ 2020 માં બનેલી ઘટનાનો છે. આ ઘટનાને ભારત સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી અને અધૂરી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો નકલી પીરબાબાનો આ વીડિયો ભારતનો છે…? જાણો વાયરલ વીડિયોનું શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: Missing Context
