
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે હવે તેના માટેની વેક્સિનની તૈયારીઓ ચાલી રહી છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોરોના વાયરસની વેક્સિનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો કોરોનાની વેક્સિન ફાઈઝરનો છે અને તે ચીનની બનાવટ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો કોરોનાની વેક્સિન ફાઈઝરનો નથી અને તે ચીનની બનાવટ પણ નથી એવું ફાઈઝર ઈન્ડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
અધરી નોટ નામના ફેસબુક યુઝર દ્વારા 23 ડિસેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, છેક નીચે જમણા ખૂણા માં જુઓ Made in China લો બોલો Karlo baat
. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો કોરોનાની વેક્સિન ફાઈઝરનો છે અને તે ચીનની બનાવટ છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ફાઈઝરની સત્તાવાર વેબસાઈટ, ટ્વિટર અને ફેસબુક પર સર્ચ કરવાની કોશિશ કરી હતી પરંતુ ત્યાં અમને આ પ્રકારનો કોઈ જ ફોટો પ્રાપ્ત થયો નહતો.
અમારી વધુ તપાસમાં અમે પોસ્ટના લખાણ તેમજ ફોટોમાં એવું જણાવવામાં આવ્યું છે કે, આ વેક્સિન Made in China છે. પરંતુ અમને ફાઈઝરની સત્તાવાર વેબસાઈટ પર એક પ્રસારિત કરવામાં આવેલી એક પ્રેસ રિલીઝ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ફાઈઝર અને બાયોનટેકના સંયુક્ત પ્રયાસ દ્વારા જર્મની, બેલ્જિયમ અને અમેરિકા દ્વારા કોરોના માટેની આ રસી બનાવવામાં આવી છે.
વધુમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, યુ.કે. માં બાયોનટેકને આધિકારિક રીતે માન્યતા આપવામાં આવશે તો ફાઈઝરની રસી અમેરિકા, યુરોપ અને કેનેડામાં પણ આપવામાં આવશે. ચીન, જર્મની અને તુર્કી સિવાય તમામ દેશોમાં આ રસીનું વૈશ્વિકીકરણ કરવામાં આવશે.
અમારી વધુ તપાસમાં અમે ફાઈઝરની સત્તાવાર વેબસાઈટ પરના લોગો અને પોસ્ટમાં મૂકવામાં આવેલા લોગોની તુલના કરતાં બંને લોગોમાં થોડોક તફાવત જોવા મળ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
વધુમાં અમે ફાઈઝરની ટેગલાઈનની તુલના કરી ત્યારે અમને વાયરલ ફોટોમાં “Pfizer-Makers of the boner pill” એવું લખાણ જોવા મળ્યું હતું. જ્યારે તેની ઓરિજીનલ ટેગલાઈન “Pfizer- Working together for a healthier world” છે.
અમને પ્રાપ્ત થયેલી એક પ્રેસ રિલીઝમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, ફાઈઝર વેક્સિન હાથ પર ખભાના ભાગે આપવામાં આપવામાં આવે છે. 21 દિવસના ગાળામાં તે 2 ડોઝમાં આપવામાં આવે છે. જ્યારે વાયરલ ફોટોમાં તેનો એખ જ ડોઝ લખેલું છે અને તે પણ એક વેપોરાઈઝર કાર્ટીઝના સ્વરૂપમાં છે.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે ફાઈઝર ઈન્ડિયાનો સંપર્ક કરતાં તેઓએ એ પુષ્ટિ કરી હતી કે, વાયરલ થઈ રહેલો ફાઈઝર વેક્સિનનો ફોટો નકલી છે તે કોઈ ફાઈઝરની બનાવટ નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો કોરોનાની વેક્સિન ફાઈઝરનો નથી અને તે ચીનની બનાવટ પણ નથી એવું ફાઈઝર ઈન્ડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે.

Title:કોરોના માટેની ફાઈઝર વેક્સિન ચાઈનાની બનાવટ હોવાના દાવા સાથે વેક્સિનનો ખોટો ફોટો વાયરલ…
Fact Check By: Vikas VyasResult: False
