
Ankit Padhiyar નામના ફેસબુક યુઝર દ્વારા 20 ડિસેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ગુજરાતમાં 3 દિવસ માટે ઈન્ટરનેટ બંધ… ભાજપ સરકારની હોજ જેવી થઈ ગઈ✌️🇮🇳 #CAA. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, નાગરિકતા સંશોધન બિલના વિરોધના પગલે ગુજરાતમાં 3 દિવસ સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી. આ પોસ્ટને 64 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 11 લોકો દ્વારા પોતાના મત રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય કેટલાક લોકો દ્વારા પણ આ માહિતીને ફેસબુક પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર નાગરિકતા સંશોધન બિલના વિરોધને પગલે ગુજરાતભરમાં આગામી 3 દિવસ સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડ સાથે સર્ચ કરતાં અમને zeenews.india.com દ્વારા આજ રોજ 20 ડિસેમ્બર, 2019 ના દિવસે પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, સમગ્ર ગુજરાતમાં નાગરિકતા સંશોધન બિલના વિરોધને પગલે 3 દિવસ સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હોવાની વાત એક અફવા માત્ર છે. તાજેતરમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લોકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને રાખીને 144 કલમ લાગુ કરવામાં આવી છે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા મીડિયા સમક્ષ આપવામાં આવેલું એક નિવેદન પ્રાપ્ત થયું હતું. જેમાં તેઓએ એવું જણાવ્યું હતું કે, “નાગરિકતા સંશોધન બિલને પગલે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની વિકટ પરિસ્થિતિ ઉભી થાય એવા કોઈ જગ્યાએ બનાવો બન્યા નથી. કોઈ જગ્યાએ આવા બનાવો બન્યા ન હોવાથી ક્યાંય પણ ઈન્ટરનેટ બંધ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. હાલ ગુજરાતમાં ઈન્ટરનેટ ચાલુ છે અને ચાલુ જ રહેશે. ઈન્ટરનેટ બંધ થવાની જે વાત છે એ સદંતર ખોટી વાત છે.” આ નિવેદન તમે નીચે જોઈ શકો છો.
વધુમાં અમને ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ એક પરિપત્ર પ્રાપ્ત થયો હતો. જેમાં એવું જણાવવામાં આવ્યું છે કે, લોકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને રાખીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ગુજરાત સરકારના પોલીસ વિભાગને જરૂર પડ્યે તો જ 20.12.2019 થી 22.12.2019 સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરવાની સંપૂર્ણ સત્તા આપવામાં આવી છે. આ પરિપત્ર તમે નીચે જોઈ શકો છો.

વધુમાં તમને એ જણાવી દઈએ કે, આજ રોજ તારીખ 20 ડિસેમ્બર, 2019 ના રાત્રે 8.00 કલાક સુધી ઈન્ટરનેટ સેવા ચાલુ જ છે. પરંતુ સરકાર દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જો હવે પછી જરૂર પડશે તો આગામી 3 દિવસ ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવશે એવું ઉપરોક્ત પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે. પરંતુ એનો મતલબ એ નથી કે ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ગુજરાતમાં ઈન્ટરનેટની સેવા બંધ કરવામાં આવી હોવાની વાત એક અફવા છે. હાલમાં ગુજરાતમાં ઈન્ટરનેટ સેવા ચાલુ જ છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ગુજરાતમાં ઈન્ટરનેટની સેવા બંધ કરવામાં આવી હોવાની વાત એક અફવા છે જે માહિતી રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા આપવામાં આવી હતી. હાલમાં ગુજરાતમાં ઈન્ટરનેટ સેવા ચાલુ જ છે. પરંતુ લોકોની સુરક્ષાને ધ્યાને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જો હવે પછી જરૂર પડશે તો આગામી 3 દિવસ ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવશે એવી સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર CAA ના વિરોધને લઈ ગુજરાતમાં 3 દિવસ સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
