‎‎‎Satishsinh Thakor‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 6 નવેમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, પંજાબમાં પીએચડી સુધી કન્યા કેળવણી મફત !! આભાર કોંગ્રેસ....આભાર કેપ્ટન અમરીન્દરસિંઘ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પંજાબમાં કેપ્ટન અમરિંદરસિંઘ દ્વારા છોકરીઓને પીએચડી સુધી મફતમાં શિક્ષણ આપવામાં આવે છે. આ પોસ્ટને 242 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 8 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 72 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય કેટલાક લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પંજાબ સરકારમાં છોકરીઓને પીએચડી સુધી મફતમાં શિક્ષણ આપવામાં આવે છે કે કેમ? એ જાણવા સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ पंजाब में पीएचडी तक मुफ्त शिक्षा સર્ચ કરતાં મળેલા પરિણામોમાં અમને જનસત્તા દ્વારા 21 જૂન, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંઘ દ્વારા આવનારા સત્રથી છોકરીઓને નર્સરીથી લઈને પીએચડી સુધી મફતમાં શિક્ષમ આપવામાં આવશે એવી ઘોષણા કરવામાં આવી હતી. જે સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

અમારી વધુ તપાસમાં અમને અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. Firstpost | Archive | Punjabkesari | Archive

અમારી વધુ તપાસમાં અમને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા 14 માર્ચ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં સ્પષ્ટપણે એવી માહિતી આપવામાં આવી હતી કે, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંઘ દ્વારા છોકરીઓને નર્સરીથી લઈને પીએચડી સુધી મફતમાં શિક્ષણ આપવાની ઘોષણાના 21 મહિના થવા છતાં તેનું કોઈ અમલીકરણ કરવામાં આવ્યું નથી. આ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે પંજાબ શિક્ષણખાતાના એડિશનલ ડિરેક્ટર ગુરદારસન સાથે આ અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “પંજાબમાં છોકરીઓ માટે પીએચડી સુધી મફતમાં શિક્ષણ મળતું હોવાની માહિતી ખોટી છે. પરંતુ 12 ધોરણ સુધી છોકરીઓને મફતમાં શિક્ષણ આપવામાં આવે છે. જ્યારે સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ ટ્યુશન ફીમાં માફી આપવામાં આવે છે. જ્યારે પીએચડી માટે આ પ્રકારની કોઈ યોજના હાલમાં ઉપલબ્ધ નથી.”

આ સંપૂર્ણ તપાસ બાદ અમે પંજાબ સરકારમાં શિક્ષણ વિભાગના પીઆરઓ રાજીન્દરસિંઘ સાથે પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “પંજાબમાં પીએચડી સુધી મફતમાં શિક્ષણ આપવામાં આવતું હોવાની માહિતી ખોટી છે. જ્યારે હાલમાં ધોરણ 8 સુધી તમામ વિદ્યાર્થીઓને મફતમાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તેમજ ધોરણ 9 થી ધોરણ 12 માં અમુક જોગવાઈઓ અને નીતિ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. જેવા કે, જે વિદ્યાર્થીઓ અનાથ હોય, જે બીપીએલ લાભાર્થી હોય તેમજ જે વિદ્યાર્થીઓ ભણવામાં સૌથી વધુ મેરિટ ધરાવતા હોય તેઓને સરકાર દ્વારા મફતમાં શિક્ષણ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં તેઓએ અમને એ પણ જણાવ્યું હતું કે, છોકરાઓ અને છોકરીઓ માટે અલગ-અલગ પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે.”

વધુમાં રાજીન્દરસિંઘ દ્વારા અમને પંજાબ સરકાર દ્વારા 12 મા ધોરણ સુધીના શિક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા વર્ષ 2013-14 ના પરિપત્રની નકલ મોકલી આપી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

આ તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પંજાબ સરકાર દ્વારા છોકરીઓને પીએચડી સુધી મફતમાં શિક્ષણ આપવામાં આવતું હોવાની માહિતી ખોટી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો મિશ્રિત સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પંજાબ સરકાર દ્વારા છોકરીઓને પીએચડી સુધી નહીં પરંતુ ધોરણ 12 સુધી અમુક નિતી નિયમો અંતર્ગત મફતમાં શિક્ષણ આપવામાં આવે છે.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર પંજાબ સરકાર દ્વારા છોકરીઓને પીએચડી સુધી શિક્ષણ મફતમાં આપવામાં આવે છે...? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas

Result: Partly False