
તાજેતરમાં સોશિયલ મીડિયા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલના રામમંદિર નિર્માણ પર કરવામાં આવેલા નિવેદન અંગે ટ્વિટનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે કે, કપિલ સિબ્બલે એવું કહ્યું હતું કે, રામમંદિર નિર્માણ થશે તો હું આત્મહત્યા કરી લઈશ. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ દ્વારા આ પ્રકારે કોઈ જ નિવેદન આપવામાં નથી આવ્યું કે ના કોઈ આવી ટ્વિટ કરવામાં આવી છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 19 ડિસેમ્બર, 2023ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, દેશદ્રોહી અને હિન્દુદ્રોહી કપિલ સિબ્બલે 29 july 2020 તેના Twitter પર પોસ્ટ મુકેલી..તેને તેનું વચન પાળવામાં મદદ કરવી દરેક રામભક્તની ફરજ બને છે.. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કપિલ સિબ્બલે એવું કહ્યું હતું કે, રામમંદિર નિર્માણ થશે તો હું આત્મહત્યા કરી લઈશ.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ ટ્વિટરનો સહારો લઈને કપિલ સિબ્બલના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર 27 જુલાઈ, 2020 થી 31 જુલાઈ, 2020 સુધી સર્ચ કરતાં અમને ક્યાંય પણ પોસ્ટમાં ફોટોમાં જે ટ્વિટ મૂકવામાં આવી છે એ પ્રાપ્ત થઈ ન હતી. આ સિવાય અન્ય 2 ટ્વિટ કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમે કપિલ સિબ્બલ દ્વારા કદાચ ટ્વિટ હટાવી દેવામાં આવી હોય એ માટે Wayback Machine (Archive.org) ની મદદથી 3 ઓગષ્ટ, 2020 તેમજ 21 ઓગષ્ટ, 2020 ના રોજ કરવામાં આવેલી ટ્વિટ જોતાં ત્યાં પણ અમને ક્યાંય પોસ્ટમાં મૂકવામાં આવેલી ટ્વિટ જોવા મળી ન હતી.
અમારી વધુ તપાસમાં અમને ઝી ન્યૂઝ દ્વારા 6 ડિસેમ્બર, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં કપિલ સિબ્બલે ANI સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “તે પોતે ક્યારેય સુન્ની વક્ફ બોર્ડના વકીલ નથી રહ્યા. વધુમાં તેઓએ એ પણ જણાવ્યું હતું કે, અયોધ્યામાં જ્યારે ભગવાન રામની ઈચ્છા થશે ત્યારે રામમંદિર બનશે.”

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ દ્વારા આ પ્રકારે કોઈ જ નિવેદન આપવામાં નથી આવ્યું કે ના કોઈ આવી ટ્વિટ કરવામાં આવી છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો રામમંદિર નિર્માણ પર કપિલ સિબ્બલ દ્વારા કરવામાં આવેલી ટ્વિટના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…
Written By: Vikas VyasResult: False
