
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના સાંસદ રવિ કિશનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના સાંસદ રવિ કિશને એવું કહ્યું કે, “દલિતોનો પરસેવો ગંધાય છે”. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એમાં ભાજપના સાંસદ રવિ કિશન દલિતો વિશે ટિપ્પણી નથી કરી રહ્યા કે તેઓએ દલિતોને આ પ્રકારે કહ્યું પણ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Er Krishu Parmar નામના ફેસબુક યુઝર દ્વારા 17 જાન્યુઆરી, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આ જ છે રવિ કિશન જેવા ૨ કોડી ના નાચવા વાળા લોકો નો દલિત પ્રેમ એમને દલિત સમાજ જોડે જમવા માં પણ મજબૂરી લાગે છે અને એમનો પરસેવો પણ મહેકાય છે આવા ૨ કોડી ના લોકો જખ મારવા મહેનત કરતા લોકો ને ત્યાં જમવા જતા જશે. આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના સાંસદ રવિ કિશને એવું કહ્યું કે, “દલિતોનો પરસેવો ગંધાય છે”.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, આ વીડિયોમાં ભોજપુરી ભાષામાં વાતચીત થઈ રહી છે. જેનો ગુજરાતી અનુવાદ નીચે મુજબ છે.
પ્રથમ વ્યક્તિ: આ બધા લોકો ક્યાં ગયા?
રવિ કિશન: તમે લોકોએ કારમાં આટલા બધા લોકોને ભર્યા છે.
બીજો વ્યક્તિ: અમે આમાં જ બેઠા છીએ. તમારી પાછળ દોડીને આવ્યા અને તેમાં બેસી ગયા.
ત્રીજો વ્યક્તિ: બાકીના લોકો પછી આવશે. અમે બે-ત્રણ લોકો આમાં પહેલેથી જ છીએ.
રવિ કિશનઃ તમારા પરસેવાની વાસ આવે છે, શું કહું હવે?
બીજો વ્યક્તિઃ હવે શું કહું રવિ ભૈયા… કન્હૈયા ભૈયા માટે દિવસ-રાત દોડી રહ્યા છીએ…
રવિ કિશન: તો શું બધું તમે મને જ સંભળાવશો આ (દુર્ગંધ)… બંધ કર આ વીડિયો…
આ સંવાદમાં ક્યાંય દલિત શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, આ વીડિયો છેલ્લા બે વર્ષતી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. 17 મે, 2020 ના રોજ લાઈવ હિન્દુસ્તાન ચેનલ પર આ અંગે રવિ કિશન દ્વારા ખુલાસો પણ કરવામાં આવ્યો હતો.
આ વીડિયોમાં તમે રવિ કિશન દ્વારા આપવામાં આવેલો ખુલાસો જોઈ શકો છો. તેઓએ આમાં જણાવ્યું છે કે, “આ વીડિયો 2017માં ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચારના સમયનો છે. ત્યારે તેઓ સાંસદ નહોતા અને કારમાં બેઠેલા લોકો તેમના કાર્યકરો હતા અને તેઓ તેમની સાથે મજાક-મસ્તી કરી રહ્યા હતા.”
તપાસ દરમિયાન અમને 17 મે, 2020 ના રોજ રવિ કિશનના ભૂતપૂર્વ સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર ઉમેશ જોશીના ટ્વિટર હેન્ડલ પર પ્રસારિત કરવામાં આવેલો વીડિયો પ્રાપ્ત થયો હતો.
ત્યારબાદ અમે સાંસદ રવિ કિશનના અંગત સચિવ ગુડ્ડુ પાંડેનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “આ વીડિયો જોયા પછી તમે સમજી શકશો કે આમાં તે દલિતોની વાત નથી કરી રહ્યા. તેમણે પોતાની વાતચીતમાં દલિતોનો ઉલ્લેખ પણ કર્યો નથી. આ વીડિયો જૂનો છે અને તેઓ એક સભામાંથી પરત ફરતી વખતે પોતાના નજીકના લોકો સાથે મજાક કરી રહ્યા હતા.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એમાં ભાજપના સાંસદ રવિ કિશન દલિતો વિશે ટિપ્પણી નથી કરી રહ્યા કે તેઓએ દલિતોને આ પ્રકારે કહ્યું પણ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર ભાજપના સાંસદ રવિ કિશને એવું કહ્યું કે, “દલિતોનો પરસેવો ગંધાય છે”…
Fact Check By: Vikas VyasResult: False
