
ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજ અોફિસિઅલ નામના ફેસબુક પેજ દ્વારા 28 ફેબ્રુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સાવધાન…ખબરદાર… આ ડબ્બામાં શું વેંહચી રહયા છે અને આ કોણ લોકો છે..જનતાની જાણકારી માટે… અમારુ કામ મિડીયામા લાવવાનું છે અને કાયઁવાહી કરવાનુ કામ પોલીસનુ છે.. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ઘીના ડબ્બામાં પિસ્તોલની તસ્કરીના વીડિયોમાં જે લોકો દેખાઈ રહ્યા છે તેમના પર હજુ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં નથી આવી અને પોલીસ હજુ પણ આ ઘટનાથી અજાણ છે. આ પોસ્ટને 193 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 5200 થી વધુ લોકો દ્વારા આ વીડિયો જોવામાં આવ્યો હતો. તેમજ 101 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય કેટલાક લોકો દ્વારા આ પોસ્ટને વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો પર હજુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી? પોલીસ હજુ પણ આ ઘટનાથી આજાણ છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાંથી એક સ્ક્રીનશોટ લઈને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં મળેલા પરિણામો માં અમને આજ તક મધ્યપ્રદેશની સ્થાનિક ચેનલ MP Tak દ્વારા 27 સપ્ટેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા દિલ્હીના બે હથિયાર તસ્કરોને ઝડપી લીધા છે. પોલીસ દ્વારા આ બંને પાસેથી 26 પિસ્તોલ અને 26 મેગઝીન જપ્ત કરવામાં આવ્યા હતા. આ હથિયાર તસ્કરી ઘીના ડબ્બામાં કરવામાં આવતી હતી.
અમારી વધુ તપાસમાં અમને News Nation દ્વારા પણ ઉપરોક્ત માહિતી સાથેના સમાચાર 27 સપ્ટેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.
આ સમાચારને અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. Dilli Tak | Navbharat Times | Oneindia Hindi
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો સપ્ટેમ્બર 2019 ના રોજ દિલ્હી ખાતે બનેલી પિસ્તોલ તસ્કરીનો છે. જેમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા કાર્યવાહી કરીને બે તસ્કરોને હથિયારો સાથે ઝડપી લેવાયા હતા. હાલમાં આ વીડિયો લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો સપ્ટેમ્બર 2019 ના રોજ દિલ્હી ખાતે બનેલી પિસ્તોલ તસ્કરીનો છે. જેમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા કાર્યવાહી કરીને બે તસ્કરોને હથિયારો સાથે ઝડપી લેવાયા હતા.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:દિલ્હીમાં બનેલી પિસ્તોલ તસ્કરીની ઘટનાનો જૂનો વીડિયો થયો વાયરલ… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
