
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિવેક અગ્નિહોત્રી દ્વારા કાશ્મીરી પંડિતો પર બનાવવામાં આવેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ની ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે આ ફિલ્મ વિશે ઘણી બધી ખોટી માહિતી, ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં તાજેતરમાં જ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી, અભિનેત્રી પલ્લવી જોશી અને RSS ના વડા મોહાન ભાગવતનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ જોયા બાદ આ ત્રણેયના ચહેરા પર ક્યાંય દુ:ખ જોવા મળતું નથી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને ખોટી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વિવેક અગ્નિહોત્રી, અભિનેત્રી પલ્લવી જોશી અને RSS ના વડા મોહાન ભાગવતનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2019 માં ‘ધ તાશ્કેન્ટ ફાઈલ્સ’ ફિલ્મ રિલીઝ થઈ એ સમયનો છે જ્યારે RSS ના વડા મોહન ભાગવત આ ફિલ્મ જોઈને વિવેક અગ્નિહોત્રી અને અભિનેત્રી પલ્લવી જોશીને મળ્યા હતા. આ ફોટોને ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Faruk Sumra નામના ફેસબુક યુઝર દ્વારા 21 માર્ચ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ફિલ્મ જોયા પછી ખરેખર આના થોબડા ઉપર ક્યાંય દુઃખ જેવું દેખાય છે ??. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ જોયા બાદ આ ત્રણેયના ચહેરા પર ક્યાંય દુ:ખ જોવા મળતું નથી.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી દ્વારા તેમના સત્તાવાર ટ્વિટર પર 26 એપ્રિલ, 2019 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, વર્ષ 2019 માં વિવેક અગ્નિહોત્રી દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ ‘ધ તાશ્કેન્ટ ફાઈલ્સ’ જોયા પછી RSS ના વડા મોહન ભાગવતે પ્રતિક્રિયા આપી એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો વર્ષ 2019 નો છે જેને ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ સાથે કોઈ જ સંબંધ નથી.
અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો સાથેના સમાચાર iambuddha.net દ્વારા પણ 26 એપ્રિલ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વિવેક અગ્નિહોત્રી, અભિનેત્રી પલ્લવી જોશી અને RSS ના વડા મોહાન ભાગવતનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2019 માં ‘ધ તાશ્કેન્ટ ફાઈલ્સ’ ફિલ્મ રિલીઝ થઈ એ સમયનો છે જ્યારે RSS ના વડા મોહન ભાગવત આ ફિલ્મ જોઈને વિવેક અગ્નિહોત્રી અને અભિનેત્રી પલ્લવી જોશીને મળ્યા હતા. આ ફોટોને ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ સાથે કોઈ જ સંબંધ નથી.

Title:શું ખરેખર તાજેતરમાં RSS ના વડા મોહન ભાગવતે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ જોઈ ત્યાર બાદનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: Missing Context
