શું ખરેખર ભારતમાં હાઈડ્રોક્સિક્લોરોક્વિન દવાનો જથ્થો અપૂરતો છે...? જાણો શું છે સત્ય...
Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા 10 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, જે ડર હતો એજ થયું રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભલે દવા આપો પરંતુ ભારતના લોકો માટે દવા ઓછી ન થવી જોઈએ પરંતુ જુઓ દવા મોકલ્યા ને બે દિવસમાં જ કેવી પરિસ્થિતિ થઈ ગઈ છે ભક્તો વગાડો થાળી અને તાળી પાડો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અમેરિકા જેવા દેશોને હાઈડ્રોક્સિક્લોરોક્વિન દવાની નિકાસ કર્યા બાદ ભારતમાં આ દવાનો જથ્થો અપૂરતો છે અને તેની અછત ઉભી થઈ છે. આ પોસ્ટને 90 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 7 લોકો દ્વારા પોતાના મત રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ 46 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ માહિતી વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી હોવાથી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર અમેરિકા જેવા દેશોને હાઈડ્રોક્સિક્લોરોક્વિન દવાની નિકાસ કર્યા બાદ ભારતમાં આ દવાનો જથ્થો અપૂરતો છે અને તેની અછત ઉભી થઈ છે? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને PIB Fact Check દ્વારા 10 એપ્રિલ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ભારતમાં હાઈડ્રોક્સિક્લોરોક્વિન દવાનો જથ્થો જેટલી જરૂરિયાત છે એના કરતાં તો વધુ જ છે. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને Ministry of Information & Broadcasting, Government of India દ્વારા તેના ઓફિશિયલ ફેસબુક પેજ પર પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની માહિતી ખોટી હોવાની પોસ્ટ 10 એપ્રિલ, 2020 ના રોજ કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને PIB India દ્વારા 10 એપ્રિલ, 2020 ના રોજ કરવામાં આવેલી એખ ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં ઘરેલુ માંગણીઓ પૂરી કરવા માટે પૂરતી હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવા છે. જે તમે નીચે જોઈ શકો છો.
Press Trust of India દ્વારા પણ એક ટ્વિટ દ્વારા પોસ્ટમાં કરવામાં આવેલા દાવાનું ખંડન કરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ભારતમાં હાલમાં હાઈડ્રોક્સિક્લોરોક્વિન દવાનો જથ્થો જરૂરિયાત કરતાં પણ વધારે છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ભારતમાં હાલમાં હાઈડ્રોક્સિક્લોરોક્વિન દવાનો જથ્થો જરૂરિયાત કરતાં પણ વધારે છે એવું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
છબીઓ સૌજન્ય: ગુગલ
Title:શું ખરેખર ભારતમાં હાઈડ્રોક્સિક્લોરોક્વિન દવાનો જથ્થો અપૂરતો છે...? જાણો શું છે સત્ય...
Fact Check By: Vikas VyasResult: False