
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાને જનતાનું સમર્થન ના મળ્યું અને ખુરશીઓ ખાલી રહી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ખાલી ખુરશીઓનો વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહેસાણાના મોઢેરા ખાતે યોજાયેલી જાહેર સભા બાદનો વીડિયો છે. બહુચરાજી ખાતે યોજાયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Vipul Suhagiya Councillor નામના ફેસબુક યુઝર દ્વારા 10 ઓક્ટોમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આ કારણે આમ આદમી પાર્ટી વિરુદ્ધના ખોટા પોસ્ટર મારવા પડે છે, સાહેબની સભામાં પોણા ગુજરાતની સરકારી બસો દોડાવવા છતાં આખું સરકારી તંત્ર કામે લગાડવા છતાં ખુરશીઓ ખાલી પડી છે જ્યારે અરવિંદ કેજરીવાલ ની સભામાં સ્વયંભુ માનવ મહેરામણ ઉમટે છે… #હવેબદલાશેગુજરાત #એકમોકોઆપને. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાને જનતાનું સમર્થન ના મળ્યું અને ખુરશીઓ ખાલી રહી તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર યુટ્યુબ પર 9 ઓક્ટોમ્બર, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહેસાણાના મોઢેરા ખાતે 9 ઓક્ટોમ્બરના રોજ સૂર્યમંદિરની મુલાકાત લીધી હતી અને ત્યાં જનસભાને સંબોધિત કરી હતી તેનો આ વીડિયો છે.
ઉપરોક્ત વીડિયોમાં તમે જોઈ શકો છો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એજ કપડાં પહેર્યાં છે જે વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યા છે.

આ સંપૂર્ણ વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાયરલ વીડિયોમાં જે બોલી રહ્યા છે એજ શબ્દો તમે 33.13 મિનિટથી 34.23 મિનિટ સુધી સાંભળી અને જોઈ શકો છો.
જેમાં વડાપ્રધાન ગુજરાતમાં આવેલા મંદિરો અને પ્રવાસન સ્થળોની ખ્યાતિ વિશે જણાવી રહ્યા છે. આ પછી આપણે જોયું કે, મૂળ વીડિયોમાં પંડાલ જનમેદનીથી ભરાયેલો બતાવવામાં આવ્યો છે. તેમાં મોટી સંખ્યામાં લોકો બેઠા છે. વીડિયોના આ ભાગમાં કેમેરાને ચારેતરફ ફેરવીને આખા પંડાલમાં ભીડ દેખાડવામાં આવી છે.
ઉપરોક્ત વીડિયોમાં તમે એ પણ જોઈ શકો છો કે, ચાલુ સભાના સમયે સ્ટેજ પર ઘણા બધા ભાજપના મંત્રીઓ અને આગેવાનો બેઠેલા છે જ્યારે વાયરલ વીડિયોમાં સ્ટેજ સંપૂર્ણ ખાલી દેખાઈ રહ્યું છે.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ સમયે પંડાલ ખાલી નહતો.
ત્યારબાદ અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે મહેસાણા જિલ્લાના પીઆરઓ અફસલ મંદોરીનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “વડાપ્રધાનની સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. એટલા બધા લોકો આવી ગયા હતા કે અમારે વધુ ખુરશીઓની વ્યવસ્થા કરવી પડી. ઘણા લોકો પંડાલની બહાર પણ ઉભા હતા. આથી વડાપ્રધાન મોદીની સભામાં ખુરશીઓ ખાલી હોવાનો દાવો ખોટો છે. વાયરલ થઈ રહેલો આ વીડિયો સભા પછીનો વીડિયો હોઈ શકે છે, પરંતુ હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે, તે સભા દરમિયાનનો વીડિયો તો નથી જ. સભા શરૂ થાય તે પહેલા હું ત્યાં હતો અને તે પૂરો થયા પછી પણ હું લાંબા સમય સુધી સભાસ્થળ પર હાજર જ હતો.”
પીઆરઓ અફસલ મંદોરીએ અમને આ સભાના અન્ય ફોટો પણ મોકલ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.


વધુમાં અમને ગુજરાત ભાજપના સત્તાવાર ટ્વિટર પર પણ આ વીડિયો ખોટો હોવા અંગેનું સ્પષ્ટીકરણ આપતી એક ટ્વિટ વીડિયો સાથે કરવામાં આવી હતી જે તમે નીચે જોઈ શકો છો.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે મહેસાણા ખાતેના સ્થાનિક રિપોર્ટરનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોઢેરા જનસભા સંબોધવા માટે સ્ટેજ પર આવ્યા ત્યારે મોટી સંખ્યામાં લોકો સભાસ્થળ પર હાજર હતા. પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ મારા મત મુજબ મોદીની સભા પૂર્ણ થયા બાદનો જ છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ખાલી ખુરશીઓનો વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહેસાણાના મોઢેરા ખાતે યોજાયેલી જાહેર સભા બાદનો વીડિયો છે. બહુચરાજી ખાતે યોજાયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં ખુરશીઓ ખાલી હોવાનો ભ્રામક વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
