શું ખરેખર અમૂલના આઈસ્ક્રીમમાં ભૂંડની ચરબીનો ઉપયોગ કરવામાં આવે છે…? જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અમૂલ આઈસ્ક્રીમમાં ઉપયોગ કરવામાં આવતા E-471 ની વ્યાખ્યા કરનારા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમૂલ આઈસ્ક્રીમમાં એક E-471 ઈમલ્સીફાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ભૂંડની ચરબીમાંથી બને છે. આ વ્યક્તિ લોકોને અમૂલ આઈસ્ક્રીમનો ઉપયોગ નહીં કરવાનું જણાવે છે કારણ કે, ઈસ્લામ ધર્મમાં એ હરામ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે અમૂલ કંપની દ્વારા આ દાવાને ખોટો ઠેરવવામાં આવ્યો છે અને અમૂલ આઈસ્ક્રીમ 100 ટકા વેજીટેરિયન હોવાનું જણાવવામાં આવ્યું છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Democratic India નામના ફેસબુક યુઝર દ્વારા 4 માર્ચ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમૂલ આઈસ્ક્રીમમાં ભૂંડની ચરબીનો ઉપયોગ કરવામાં આવે છે.

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં મળેલા પરિણામોમાં અમને E-471 ઇમલ્સીફાયર અંગેની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, E-471 ઇમલ્સીફાયરને ફેટી એસિડની સાથે ગ્લિસરોલના પ્રત્યક્ષ એસ્ટરિફિકેશન દ્વારા બનાવવામાં આવે છે. E-471 ને સામાન્ય રીતે મોનો- અને પેટી એસિડના ડાયગ્લિસરાઈડ્સ તરીકે ઓળખવામાં આવે છે. E-471 ઈમલ્સીફાયર સોયબીન અને પામના તેલમાંથી તેમજ પ્રાણીઓની ચરબીમાંથી બનાવવામાં આવે છે.

image2.png

Archive | Archive | Archive

અમારી વધુ તપાસમાં અમે અમૂલ કંપનીની વેબસાઈટ પર જોતાં અમને અમૂલ કંપની દ્વારા બહાર પાડવામાં આવેલી એક પ્રેસ રિલીઝ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, અમૂલ કંપની 100 ટકા શાકાહારી છે.

પ્રેસ રિલીઝમાં અમૂલે સ્પષ્ટતા કરી હતી કે, તેઓ ફક્ત વનસ્પતિ તેલમાંથી બનેલા E-471 ઇમલ્સીફાયર્સનો ઉપયોગ કરે છે. ઉલ્લેખનીય છે કે, અમૂલ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા તમામ ઘટકો જેમ કે, પનીરમાં રંગ, સ્ટેબિલાઇઝર્સ, ઇમલ્સીફાયર્સ, એડિટિવ્સ, એન્ઝાઇમ્સ વગેરે 100% શાકાહારી મૂળના છે. આ અહેવાલ મુજબ અમૂલના દરેક ઉત્પાદનમાં પેક પર લીલા રંગનો ગાળાકાર લોગો હોય છે જે એ વસ્તુ શાકાહારી હોવાનું સૂચન કરે છે. આ લોગો FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) ના નિતી નિયમોના પાલન પ્રમાણે માન્યતા ધરાવે છે. આ લીલા રંગનો લોગો એ દર્શાવે છે કે, આ વસ્તુ 100 ટકા શાકાહારી છે. 

image3.png

આ ઉપરાંત અમૂલ કંપની દ્વારા તેનો આઈસ્ક્રીમ હલાલ સર્ટિફાઈડ હોવાનું જણાવવામાં આવ્યું અને આ સર્ટિફિકેટ માટેની લિંક પણ આ પ્રેસ રિલીઝમાં મૂકવામાં આવી છે.

હવે એ જાણવું પણ જરુરી હતું કે, હલાલ સર્ટિફિકેટ શું છે?

હલાલ પ્રમાણપત્રમાં એ જણાવવામાં આવ્યું છે કે, આ ખાધ્યસામગ્રી કે ઉત્પાદન ઈસ્લામના અનુયાયીઓ માટે સ્વિકાર્ય છે. તેના ઉત્પાદન કે પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારનું હરામ ઉત્પાદન કે પ્રક્રિયા કરવામાં આવી નથી.

ઘણા ઇસ્લામિક દેશોમાં સરકાર દ્વારા હલાલ પ્રમાણપત્ર આપવામાં આવે છે. ભારતમાં FSSAI (ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) નું પ્રમાણપત્ર લગભગ તમામ પ્રોસેસ્ડ ફૂડ્સ પર જોઇ શકાય છે. પરંતુ આ ઓથોરિટી ભારતમાં હલાલ પ્રમાણપત્ર આપતી નથી. ભારતની ઘણી ખાનગી કંપનીઓ દ્વારા હલાલનું પ્રમાણપત્ર આપવામાં આવે છે, જે ઇસ્લામના અનુયાયીઓને સ્વીકાર્ય ખોરાક અથવા ઉત્પાદનોને ચિહ્નિત કરે છે. ભારતમાં મહત્વપૂર્ણ હલાલ પ્રમાણપત્ર કંપનીઓ નીચે મુજબ છે:

  1. હલાલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ
  2. હલાલ સર્ટિફિકેશન સર્વિસીસ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ
  3. જમિયત ઉલમા-એ-મહારાષ્ટ્ર – જમિયત ઉલમા-એ-હિન્દનું રાજ્ય એકમ
  4. જમિયત ઉલમા-એ-હિન્દ હલાલ ટ્રસ્ટ

અમૂલના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ. સોઢીએ એક વીડિયો દ્વારા આ અંગે ખુલાસો કર્યો છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે અમૂલના તમામ ઉત્પાદનો 100 ટકા શાકાહારી છે. અમૂલે આ વીડિયોને તેના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.

Archive

 જમિયત ઉલમા હલાલ ફાઉન્ડેશને Lucid Colloids Limited નામની કંપનીને સર્ટિફિકેટ આપ્યું છે જે અમૂલને પ્લાન્ટ સોર્સ E-471 સપ્લાય કરે છે. જમિયલ ઉલમા હલાલ ફાઉન્ડેશનના ઓડિટરો દ્વારા Lucid Colloids Limited કંપનીના કાચા માલથી તૈયાર માલ સુધીની તમામ પ્રક્રિયાની તપાસ કરી છે.

જમિયત ઉલમા હલાલ ફાઉન્ડેશન (JUHF) એ અમૂલ ઉત્પાદનોને પ્રમાણિત કર્યા છે. જમિ/ત ઉલમા હલાલ ફાઉન્ડેશન (JUHF) ના લાયક હલાલ ઓડિટરોએ કાચી સામગ્રીથી માંડીને તૈયાર માલ સુધીની અમૂલ પ્રોડક્ટ્સ બનાવવાની પ્રક્રિયાની તપાસ કરી છે. સંપૂર્ણ અને વ્યાપક ઓડિટ પછી તેઓ એ તારણ પર પહોંચ્યા કે, અમૂલ E-471 નો ઉપયોગ કરે છે જે છોડની ચરબીમાંથી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ અમૂલ કંપની દ્વારા આ દાવાને ખોટો ઠેરવવામાં આવ્યો છે અને અમૂલ આઈસ્ક્રીમ 100 ટકા વેજીટેરિયન હોવાનું જણાવવામાં આવ્યું છે. અમૂલ કંપનીના આઈસ્ક્રીમમાં જે E-471 ઈમલ્સીફાયર્સનો ઉપયોગ કરવામાં આવે છે એ પ્રાણીઓની ચરબીમાંથી બનેલો નહીં પરંતુ છોડના તેલમાંથી બનેલ હોય છે.

Avatar

Title:શું ખરેખર અમૂલના આઈસ્ક્રીમમાં ભૂંડની ચરબીનો ઉપયોગ કરવામાં આવે છે…?

Fact Check By: Vikas Vyas 

Result: False