
Paresh Rupavatiya નામના ફેસબુક યુઝર દ્વારા 24 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, ભારત દેશ માં બળાત્કાર ના ગુના માં પણ જામીન થાય છે ભાજપ ના કુલદીપ સેંગર ભડવા ને જામીન આપનાર જજ ને ખુબ અભિનંદન. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઉન્નાવ દુષ્કર્મ કેસના આરોપી કુલદીપસિંઘ સેંગરના જામીન મંજૂર કરવામાં આવ્યા. આ પોસ્ટને 77 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. એક વ્યક્તિએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 20 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ માહિતી વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી હોવાથી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર ઉન્નાવ રેપ કેસના આરોપી કુલદીપસિંઘ સેંગરના જામીન મંજૂર કરવામાં આવ્યા છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને jagran.com દ્વારા 23 મે, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના કાકાને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા છે. વધુમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે છેતરપિંડીના કેસમાં ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના કાકાને જામીન પર મુક્ત કરવા આદેશ આપ્યો છે. જસ્ટિસ વિકાસ કુંવર શ્રીવાસ્તવની સિંગલ-મેમ્બર બેંચે આ આદેશ આપ્યો છે. ઉન્નાવ દુષ્કર્મ કેસના દોષિત કુલદીપ સેંગરને જામીન મળ્યા હોવાનો સમાચારમાં ન તો કોઈ ઉલ્લેખ છે, ન કોઈ અન્ય ચકાસણી સમાચાર મળ્યા છે.

અમારી વધુ તપાસમાં gujarati.abplive.com દ્વારા 26 મે, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ઉન્નાવ દુષ્કર્મ કેસના આરોપી ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરને જામીન મળ્યા હોવાની ટ્વિટ કોંગ્રેસની નેતા અલ્કા લાંભા દ્વારા કરવામાં આવી હતી. પરંતુ તેમને જામીન મળ્યા ન હોવાથી કુલદીપ સેંગરની પુત્રીએ કોંગ્રેસ નેતા અલ્કા લાંભા સામે ફરિયાદ નોંધાવી હતી.

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. mantavyanews.com
વધુમાં અમને 20 ડિસેમ્બર, 2014 ના રોજ ANI દ્વારા કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ઉન્નાવ દુષ્કર્મ કેસમાં દિલ્હીની તીસ હજારી કોર્ટે ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગરને આજીવન કેદની સજા સંભળાવી છે. આ સાથે તેમને 25 લાખ રૂપિયાનો દંડ ભરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
હિન્દુસ્તાન ટાઇમ્સ દ્વારા પ્રકાશિત સમાચાર અનુસાર, નવી દિલ્હીની તિહાડ જેલમાં બંધ ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના કાકા મહેશ સિંહને 22 મેના રોજ અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચ દ્વારા ઉન્નાવની કોતવાલી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના કેસ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા હતા. અલ્હાબાદ હાઈકોર્ટની વેબસાઇટ પરના હુકમની નકલમાં મહેશસિંહને જામીન આપવાનો ઉલ્લેખ છે, જે તમે નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, દિલ્હીની તીસ હજારી કોર્ટે સજા ફટકાર્યા બાદ કુલદીપ સેંગર તિહાડ જેલમાં બંધ છે અને તેમની પુત્રીએ ખોટા સમાચાર ફેલાવવા બદલ કોંગ્રેસ નેતા અલ્કા લાંભા સામે ફરિયાદ નોંધાવી છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, ઉન્નાવ દુષ્કર્મ કેસના આરોપી કુલદીપ સેંગરને જામીન નથી મળ્યા. દિલ્હીની તીસ હજારી કોર્ટે સજા ફટકાર્યા બાદ કુલદીપ સેંગર તિહાડ જેલમાં બંધ છે અને તેમની પુત્રીએ ખોટા સમાચાર ફેલાવવા બદલ કોંગ્રેસ નેતા અલ્કા લાંભા સામે ફરિયાદ નોંધાવી છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:ઉન્નાવ દુષ્કર્મ કેસના આરોપી કુલદીપ સેંગરને નથી મળ્યા જામીન… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
