યુપીના મઉ જિલ્લામાં લગ્નની વિધિ કરવા જઈ રહેલી મહિલાઓ પર દિવાલ પડી હતી. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં કેટલાક ઘાયલ લોકોનો જોઈ શકાય છે. રસ્તાની વચ્ચે લોહી-લોહાણ હાલતમાં ઘણી મહિલાઓને જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહારાષ્ટ્રના નાગપુરમાં એક લગ્નમાં ડીજે વધુ અવાજમાં વગાડવાને કારણે વાઇબ્રેશનના કારણે દિવાલ ધરાશાયી થઈ હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 09 ફેબ્રુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મહારાષ્ટ્રના નાગપુરમાં એક લગ્નમાં ડીજે વધુ અવાજમાં વગાડવાને કારણે વાઇબ્રેશનના કારણે દિવાલ ધરાશાયી થઈ હતી.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વીડિયો 18 ડિસેમ્બર 2023ના રોજ અનુજ માન નામના ફેસબુક એકાઉન્ટ પર પ્રાપ્ત થયો હતો. આ વીડિયોના કેપ્શનમાં માહિતી આપવામાં આવી હતી કે, આ ઘટના ઉત્તર પ્રદેશના મઉ જિલ્લામાં બની હતી.

https://www.facebook.com/reel/1035594124335520

તેમજ પ્રાપ્ત માહિતીના આધારે, અમે સંબંધિત કીવર્ડની મદદથી ગૂગલ પર સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને 8 ડિસેમ્બર 2023ના રોજ દૈનિક જાગરણનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, મઉના ઘોસી નગરમાં અસ્કરી સ્કૂલ પાસે હલ્દી સમારોહ કરવા જઈ રહેલી ભીડ પર દિવાલ પડી હતી. આ અકસ્માતમાં બે નિર્દોષ લોકો સહિત છ લોકોના મોત થયા હતા અને 36 લોકો ઘાયલ થયા હતા.

Jagran

તેમજ વધુ સર્ચ કરતા અમને 9 ડિસેમ્બર, 2023ના રોજ ન્યૂઝ 18ની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, આ શોભાયાત્રા ત્યાંથી પસાર થઈ રહી હતી. ત્યાં રેતીનો ઢગલો હતો, જેના કારણે ત્યાં એક દિવાલ પર દબાણ હતું અને તે પડી ગઈ હતી. અકસ્માત બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને કાટમાળ નીચે ફસાયેલા લોકો માટે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. કલેક્ટર અને પોલીસ અધિક્ષકની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

નવભારત ટાઈમ્સના એક અહેવાલ મુજબ, પોલીસે માનવસાપરાધની કલમ હેઠળ કેસ નોંધ્યો અને બે લોકોની ધરપકડ કરી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. તેમજ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મૃત્યુઆંક વધીને આઠ થયો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, દિવાલ પડવાની આ ઘટના નાગપુરમાં નહીં પરંતુ ઉત્તર પ્રદેશના મઉ જિલ્લામાં બની હતી. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા હતા, જ્યારે આઠ લોકોના મોત થયા હતા.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:લગ્ન પ્રસંગની વિધિ કરવા જઈ રહેલી મહિલા પર પડેલી આ દિવાલના વીડિયોનું જાણો શું છે સત્ય...

Written By: Frany Karia

Result: False