પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતનો નહીં પરંતુ તમિલનાડુના વેલ્લોર શહેરનો છે. જૂન 2022માં આ ઘટના બનવા પામી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે સોશિયલ મિડિયામાં પણ ઘણા ફોટો અને મેસેજ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલમાં એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં રોડ નવો બનેલો જોવા મળે છે. અને બાઇકને હટાવ્યા વિના જ રોડ બનાવી નાખવામાં આવ્યો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો નવા રોડ બનાવવાનો ફોટો ગુજરાતનો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Hasmukh Savani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 સપ્ટેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો નવા રોડ બનાવવાનો ફોટો ગુજરાતનો છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને Tv9 Telugu દ્વારા પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અહેવાલમાં માહિતી આપવામાં આવી હતી કે, “નવા રોડના બિછાવે દરમિયાન કોંક્રીટમાં ફસાયેલી બાઇકનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. પરંતુ નગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓએ રસ્તાના સમારકામ માટે કોઈ મંજૂરી આપી નથી. આ ઘટના તમિલનાડુના સ્માર્ટ સિટી વેલ્લોરમાં બની હતી.”

The Indian Express દ્વારા પણ આ જ માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં વેલ્લોર કોર્પોરેશનના કમિશ્નર પી અશોક કુમારનું નિવેદન પ્રસારિત કરવામાં આવ્યુ હતુ.
“ઘટના સાંભળીને અમે ચોંકી ગયા, તેનાથી કોર્પોરેશનનું નામ ખરાબ થયું છે. આ એક ભૂલ છે અને તેને વહિવટી સ્તરે સ્વીકારી શકાય નહીં. કોર્પોરેશન વતી જે તે વિસ્તારમાં રોડ રીલે કરવાનો કોઈ આદેશ જારી કરવામાં આવ્યો નથી. રોડ રિલે કરવા માટે ટેન્ડર બહાર પાડવું પડે છે અને ત્યારપછી પરવાનગી લેવી પડે છે. કોર્પોરેશનની કોઈ જાણ કે મંજુરી વગર કોન્ટ્રાક્ટરે સ્થાનિકો સાથે સમજુતી કરીને રોડ બનાવી દિધો હતો. આ ઇમરજન્સી રીતે કરવામાં આવ્યુ હતું. આ ઘટના અંગે ઝોન-2ના એન્જિનિયરને કારણ દર્શક નોટિસ જારી કરવામાં આવી છે. મેં ઘટનાસ્થળની મુલાકાત લીધી અને મોટરસાઇકલ જ્યાં ફસાયેલી હતી ત્યાંથી કાઢી લેવામાં આવી છે.”

ધ ન્યુઝ મિનિટ દ્વારા તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી આ ઘટનાના વિડિયોને પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતનો નહીં પરંતુ તમિલનાડુના વેલ્લોર શહેરનો છે. જૂન 2022માં આ ઘટના બનવા પામી હતી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:બાઈક પાર્કિંગ દરમિયાન બનાવેલા રોડની તસ્વીર ગુજરાતની નથી… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Missing Context
