
शैलेष धामेलिया નામના ફેસબુક યુઝર દ્વારા 5 જુલાઈ, 2019ના રોજ સુરત પાટીદાર ગ્રુપ નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એક ટીવીના ફોટોમાં સીએનબીસી આવાજ ચેનલમાં નાણામંત્રી નિર્મલા સીતારામણના ફોટો સાથે એવું લખેલું છે કે, 125 કરૉડ ÷ 35000 કરૉડ કરીયૅ તૉ એક નૅ 280 ભાગમા આવૅ .ધરમા એકજ મીટર હોઈ નૅ બીલ પણ એકજ આવૅ એક બીલ પર 10 પીશ બાટતા તૉ બાકિના કયા?? એલઇડી એનૉ હિસાબ ? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 38 લોકોએ લાઈક કરી હતી. 6 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ 45 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Photo Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર નાણામંત્રી નિર્મલા સીતારામણ દ્વારા બજેટની માહિતીમાં 35,000 કરોડ એલઈડી બલ્બ વેચાયાની માહિતી આપી હોત તો કોઈને કોઈ મીડિયા માધ્યમ દ્વારા આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા જ હોત. તેથી અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લેતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી આગળની તપાસમાં યુટ્યુબનો સહારો લઈ union budget 2019-20 સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને 5 જુલાઈ, 2019 ના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારામણ દ્વારા કેન્દ્રિય બજેટ 2019-20 નો સંપૂર્ણ વીડિયો પ્રાપ્ત થયો હતો. આ સંપૂર્ણ વીડિયોને ધ્યાનથી જોતાં અમને માલૂમ પડ્યું હતું કે, વીડિયોમાં 01.06.41 મિનિટથી 01.06.50 મિનિટ વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારામણ એવું કહે છે કે, ઉજાલા યોજના અંતર્ગત પૂરા દેશમાં અત્યાર સુધી લગભગ 35 કરોડ એલઈડી બલ્બનું વેચાણ કરવામાં આવ્યું છે. જે તમે નીચેના વીડિયોમાં જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને સરકારની કેન્દ્રિય બજેટની વેબસાઈટ પ્રાપ્ત થઈ હતી. તો એમાં પણ બજેટની માહિતી આપવામાં આવી હતી. આ માહિતીને ધ્યાનથી વાંચતાં અમને માલૂમ પડ્યું કે, માહિતીમાં 74 નંબરના મુદ્દામાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, ઉજાલા યોજના અંતર્ગત પૂરા દેશમાં અત્યાર સુધી લગભગ 35 કરોડ એલઈડી બલ્બનું વેચાણ કરવામાં આવ્યું છે. જે તમે નીચે જોઈ શકો છો.

આમ, ઉપરના તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા 35,000 કરોડના બલ્બનો વેચાણનો દાવો ખોટો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ નાણામંત્રી નિર્મલા સીતારામણ દ્વારા બજેટમાં 35,000 કરોડ એલઈડી બલ્બના વેચાણની નહીં પરંતુ 35 કરોડના એલઈડી બલ્બના વેચાણની માહિતી આપવામાં આવી છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર નાણામંત્રી નિર્મલા સીતારામણે બજેટ 2019 માં 35,000 કરોડ એલઈડી બલ્બ વેચાયાની આપી માહિતી…? જાણો સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
