
તાજેતરમાં સોશિયલ મીડિયા પર અભિનેતા શાહરુખ ખાનનો લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેતા શાહરુખ ખાન લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપતી વેળાએ થૂંક્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, અભિનેતા શાહરુખ ખાને મુસ્લિમ સમાજના રિવાજ મુજબ લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપીને દુઆ માટે માસ્ક ઉતારીને ફૂંક મારી હતી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Manish Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા 6 ફેબ્રુઆરી, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આ સહરુખ જુઓ લતાજી ના અંતિમ સંસ્કાર સમયે પણ થુકવાનું ના ભૂલ્યો. આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેતા શાહરુખ ખાન લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપતી વેળાએ થૂંક્યા તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને
જાણવા મળ્યું હતું કે, મુંબઈના શિવાજી પાર્ક મેદાનમાં રવિવારના રોજ લતા મંગેશકરના સરકારી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યારે શાહરુખ ખાન તેની મેનેજર પૂજા દદલાની સાથે હાજર રહ્યા હતા. આ બંનેનો લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપતો એક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ફેક્ટ ક્રેસેન્ડોએ કાશ્મીરના ઈસ્લામિક વિદ્વાન આસિફ ઈકબાલનો સંપર્ક કર્યો અને એ પૂછ્યું હતું કે, શાહરૂખ ખાને માસ્ક ઉતાર્યા પછી શું કર્યું? તો તેઓએ અમને જણાવ્યું હતું કે, “જો કોઈના માટે સુર અલ-શિફાનો પાઠ કરીને પ્રાર્થના કરવામાં આવે છે તો તે પછી તેના પર ફૂંક મારવામાં આવે છે. વીડિયોમાં પણ શાહરૂખ ખાન લતા મંગેશકરની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતી વખતે ફૂંક મારતા જોવા મળે છે.”
પશ્ચિમ બંગાળના હરિશ્ચંદ્ર પ્રદેશના અહલે હદીસ એસોસિએશનના સભ્ય ઈમામ અમીનુદ્દીન ફૈઝીએ જણાવ્યું હતું કે, “ઈસ્લામિક ધાર્મિક વિધિ અનુસાર અલ્લાહની પ્રાર્થના પૂરી કર્યા પછી મોંમાંથી હવા નીકળે છે. અહીં કહેવું યોગ્ય છે કે, પ્રાર્થના કરતી વખતે એટલે કે જ્યારે કોઈ મુસ્લિમ જીવનમાં કોઈ સારા સમાચાર અથવા સમસ્યાના સમયે અલ્લાહને દુઆ કરે છે ત્યારે તે હાથ જોડીને પ્રાર્થના કરે છે. વાયરલ વીડિયોમાં પણ શાહરૂખ ખાન લતા મંગેશકરના પાર્થિવ દેહની સામે ઊભો રહીને મગફિરત માટે અલ્લાહને પ્રાર્થના કરી રહ્યો હતો.”
અમે JNU ના ઈસ્લામિક સ્ટડીઝના નિષ્ણાત ડૉ. ઝુબેર હુદાવી પાસેથી પણ આ વીડિયો વિશે માહિતી લીધી છે. તેમના મતે, “ઈસ્લામમાં થૂંકવું હરામ છે. એટલા માટે વાયરલ દાવા મુજબ, શાહરૂખ ખાને થૂંક્યું હોવું જોઈએ તેવી કોઈ શક્યતા નથી. આ વીડિયોમાં શાહરૂખ ખાને લતા મંગેશકર માટે પ્રાર્થના કર્યા બાદ ફૂંક મારી હતી.”
જામિયા મિલિયા ઈસ્લામિયા કોલેજના ઈસ્લામિક સ્ટડીઝ વિભાગના પ્રોફેસર અને હેડ ડૉ. ઈક્તિદાર ખાને જણાવ્યું હતું કે, “ઈસ્લામમાં દફન કરતા પહેલા અથવા મૃત શરીરના અંતિમ સંસ્કાર પહેલા જ્યારે નશ્વર દેહના દર્શન કરવામાં આવે છે ત્યારે દુઆ પઢવામાં આવે છે જે કુરાનનો પ્રથમ પાઠ છે. જેને સુરહા ફાતિહા કહેવામાં આવે છે. અને પાર્થિવ શરીરની સામે આ દુઆનો પાઠ કર્યા પછી ફૂંક મારવામાં આવે છે. જેથી અમારી પ્રાર્થના સ્વીકારવામાં આવે અને અલ્લાહ આ શરીરને કબરની અંદર શાંતિ આપે અને તેને જે પણ બીજો જન્મ મળે છે, ત્યાં તેના માટે બધું જ સકારાત્મક રહે. પ્રાર્થના કર્યા પછી ફૂંક મારવાથી ખાતરી થાય છે કે, પ્રાર્થના કરનાર વ્યક્તિના મોંઢામાંથી દુઆ તે વ્યક્તિ સુધી પહોંચે છે જેના માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, અભિનેતા શાહરુખ ખાને મુસ્લિમ સમાજના રિવાજ મુજબ લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપીને દુઆ માટે માસ્ક ઉતારીને ફૂંક મારી હતી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:શું ખરેખર અભિનેતા શાહરુખ ખાન લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપતા થૂંક્યા હતા…?
Fact Check By: Vikas VyasResult: False
