તાજેતરમાં ઉત્તર પ્રદેશના હાથરસ ખાતે એક ઘોર અપરાધની ઘટના બની હતી. જેમાં 19 વર્ષની યુવતી પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. દુષ્કર્મ બાદ આ યુવતીને ઘાયલ પણ કરવામાં આવી હતી. થોડા દિવસોની સારવાર બાદ યુવતીએ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટના વિરોધમાં આરોપીઓને કડકમાં કડક સજાની માંગણી સાથે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. આ ઘટના હાથરસ ગામની છે જ્યાં આ 19 વર્ષીય યુવતીને 4 વ્યક્તિઓએ ખેતરમાં લઇ જઇ આ ઘટનાને અંજામ આપ્યો હતો.
તાજેતરમાં બનેલી આ ઘટના અંગે સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો સાથે એવી માહિતી વાયરલ થઈ રહી છે કે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ફોટોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ અને રાજનાથસિંહ સાથે દેખાતો વ્યક્તિ હાથરસ દુષ્કર્મ કેસના આરોપી સંદિપના પિતા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Girish Sanghvi નામના ફેસબુક યુઝર દ્વારા 2 ઓક્ટોબર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ફોટોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ અને રાજનાથસિંહ સાથે દેખાતો વ્યક્તિ હાથરસ દુષ્કર્મ કેસના આરોપી સંદિપના પિતા છે.
FACT CHECK
અમારી તપાસમાં અમને એ જાણવા મળ્યું કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટામાં દેખાતો વ્યક્તિ પ્રયાગરાજના ભાજપના નેતા શ્યામ પ્રકાશ દ્વિવેદી છે. હાથરસ દુષ્કર્મ કેસ સાથે તેમનો કોઈ જ સંબંધ નથી. તેમના પિતા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, તેમને 13 અને 6 વર્ષના બે બાળકો છે. શ્યામ પ્રકાશ દ્વિવેદી અન્ય એક પ્રયાગરાજ પોલીસ દ્વારા ગેંગરેપના કેસમાં વોન્ટેડ હતો અને છેલ્લા ઘણા દિવસોથી ફરાર હતો. તેને પ્રયાગરાજ પોલીસે 3 ઓક્ટોબર, 2020 ના રોજ ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો.
ઉપરોક્ત દાવાની સત્યતા તપાસવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારે લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને કેટલાક મીડિયા માધ્યમો દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સમાચારો પરથી એ જાણવા મળ્યું હતું કે, આ ઘટનાને અંજામ આપનારા 4 આરોપીઓના નામ નીચે મુજબ છે.
- સંદીપ
- રામુ
- લવકુશ
- રવિ
આ તમામ આરોપીઓના ફોટા અને તેમના વિશેની અન્ય માહિતી તમે આજ તક દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સમાચારમાં જોઈ શકો છો.
જિલ્લા મેજિસ્ટ્રેટ હાથરસ અને પોલીસ અધિક્ષક દ્વારા આ બનાવ વિશે આપવામાં આવેલી તમામ માહિતી તમે હાથરસ પોલીસના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર જોઈ શકો છો.
ધ વાયર દ્વારા પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, હાથરસની યુવતી સાથે બનેલી ઘટનાના ચારેય આરોપીઓ ઠાકુર પરિવારના છે એટલે કે જે ઉચ્ચ જાતિના છે.
જો કે આ તમામ સમાચાર અહેવાલો એ સંકેત કરે છે કે, આરોપીઓ ઠાકુર જાતિના છે. પરંતુ એ સ્પષ્ટપણે સાબિત નથી થતું કે, ભાજપના નેતા શ્યામ પ્રકાશ દ્વિવેદીનો ખરેખર આમાંના કોઈપણ આરોપી સાથે સંબંધ છે કે કેમ? ખાસ કરીને શું આરોપી સંદીપ તેમનો પુત્ર છે…?
ઉપરોક્ત માહિતીની પુષ્ટિ કરવા માટે અમે હાથરસના નવા એસપી વિનીત જયસ્વાલનો સંપર્ક કર્યો હતો. તેઓ દ્વારા એ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, આ કેસમાં તમામ આરોપી હાથરસના સ્થાનિક રહેવાસી છે. આરોપીઓમાંના કોઈના પિતાનું નામ શ્યામ પ્રકાશ દ્વિવેદી નથી કે પછી કોઈ આરોપી ભાજપના કોઈ નેતાનો પુત્ર પણ નથી. સોશિયલ મીડિયા પર કોઈ નેતાના પુત્ર સાથે આ ઘટનાને જોડવામાં આવે એ ખોટું છે. આ ચારેય આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે અને જેલમાં પણ મોકલી દેવામાં આવ્યા છે.
તેમણે અમને આ કેસના સંદર્ભમાં હાજા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા કેસની ફોટો કોપી મોકલી આપી હતી. જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, આરોપી સંદીપના પિતાનું નામ સુનીલ ઉર્ફે ગુડ્ડુ છે.
ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે ફોટોમાં દેખાતા વ્યક્તિને હાથરસ દુષ્કર્મ કેસ સાથે જોડવામાં આવી રહ્યા હોવાની માહિતી ખોટી સાબિત થઈ હતી. જો કે, હવે એ પણ જાણવું જરૂરી હતું કે, ફોટોમાં દેખાતો વ્યક્તિ છે કોણ?
પોસ્ટમાં કરવામાં આવેલા દાવાના ફોટોને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને આ ફોટો શ્યામ પ્રકાશ દ્વિવેદીના ટ્વિટર એકાઉન્ટ પર જોવા મળ્યા હતા.
પોસ્ટમાં મૂકવામાં આવેલા અન્ય ફોટા અમને શ્યામ પ્રકાશ દ્વિવેદીના ફેસબુક પ્રોફાઇલ પર પણ જોવા મળ્યા હતા. અમને શ્યામ પ્રકાશ દ્વિવેદીની સાથે ભાજપના અન્ય નેતાઓના પણ આજ નામ સાથે બીજા પેજ પર અપલોડ કરવામાં આવેલા ફોટો મળ્યા હતા.
કોણ છે શ્યામ પ્રકાશ દ્વિવેદી?
શ્યામ પ્રકાશ દ્વિવેદીના ટ્વિટર અને ફેસબુક પર આપવામાં આવેલી વિગતો મુજબ, શ્યામ પ્રકાશ દ્વિવેદી યુપીના પ્રયાગરાજના ભાજપના વરિષ્ઠ નેતા છે અને કાશી પ્રદેશના ઉપાધ્યક્ષ છે. ગુગલ પર જુદા-જુદા કીવર્ડથી શોધવા પર, અમને શ્યામ પ્રકાશ દ્વિવેદી વિશે ઘણા મીડિયા અહેવાલો પ્રાપ્ત થયા. ઝી ન્યૂઝ અને ડીએનએ દ્વારા 14 સપ્ટેમ્બર, 2020 ના રોજ પ્રકાશિત થયેલા અહેવાલો અનુસાર, શ્યામ પ્રકાશ દ્વિવેદી 2019 ના ગેંગરેપ કેસમાં આરોપી છે. પ્રયાગરાજ પોલીસે તેની સામે 14 સપ્ટેમ્બર, 2020 ના રોજ ગુનો નોંધ્યો હતો. અહેવાલોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, શ્યામ પ્રકાશ દ્વિવેદી ભાજપ યુવા મોરચાના કાશી એકમના ઉપાધ્યક્ષ છે.
ત્યારબાદ ફેક્ટ ક્રેસેન્ડોએ પ્રયાગરાજના ભાજપના અધ્યક્ષ અશ્વિની દુબેનો સંપર્ક સાધ્યો હતો, જેમણે અમને કહ્યું હતું કે, “વાયરલ થઈ રહેલા ફોટા ભાજપના નેતા શ્યામ પ્રકાશ દ્વિવેદીના છે. શ્યામ પ્રકાશ દ્વિવેદીના પિતા, રામ રક્ષા દ્વિવેદી, જે પ્રયાગરાજના ભૂતપૂર્વ જિલાધ્યક્ષ હતા, હું તેમને સારી રીતે ઓળખું છું, જેના કારણે હું શ્યામ પ્રકાશ દ્વિવેદીને પણ જાણું છું. તેનો હાથરસ કેસ સાથે કોઈ સંબંધ નથી.”
ગુગલ પર જુદા-જુદા કીવર્ડથી શોધવા પર અમને એ પણ ખબર પડી હતી કે, શ્યામ પ્રકાશ દ્વિવેદીએ 2014 માં ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહાદુલ મુસલીમિન (AIMIM) ના વડા અસદુદ્દીન ઓવૈસીની જીભ કાપવા પર 1 કરોડના ઈનામની ઘોષણા કર્યા પછી તેઓ સમાચારોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.
Archive
જોકે આ નિવેદન બાદ શ્યામ પ્રકાશ દ્વિવેદીને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પરંતુ મીડિયા અહેવાલો મુજબ તેમને ફરીથી પક્ષમાં સામેલ કરવામાં આવ્યા હતા. પત્રિકા દ્વારા પ્રકાશિત થયેલા સમાચારમાં આપણે શ્યામ પ્રકાશ દ્વિવેદીના ફોટોને જોઇ શકીએ છીએ. સમાચારોમાં દેખાતો વ્યક્તિ અને વાયરલ ફોટોમાં દેખાતો વ્યક્તિ બંને સમાન છે.
ત્યાર બાદ ફેક્ટ ક્રેસેન્ડોએ શ્યામ પ્રકાશ દ્વિવેદીના પિતા રામરક્ષા દ્વિવેદીનો સંપર્ક સાધ્યોહતો. જેમણે પુષ્ટિકરી હતી કે, “ફોટોમાં દેખાતો વ્યક્તિ તેમનો પુત્ર શ્યામ પ્રકાશ દ્વિવેદી છે અને તેનો હાથરસની ઘટના સાથે કોઈ સંબંધ નથી. તેમણે અમને એમ પણ કહ્યું હતુ કે, શ્યામ પ્રકાશ દ્વિવેદીને બે બાળકો છે જે હજી ખૂબ નાના છે.”
હકીકતની વધુ તપાસ માટે ક્રેસેન્ડોએ અલ્હાબાદમાં સ્થિત કર્નલગંજ પોલીસ સ્ટેશનના સર્કલ ઓફિસર અજય દિક્ષિતનો સંપર્ક સાધ્યો હતો, અમને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે,
“શ્યામ પ્રકાશ દ્વિવેદી 2014 માં ગેંગરેપ કેસમાં આરોપી હતો. તેમની સામે 14 સપ્ટેમ્બર, 2020 ના રોજ કર્નલગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેના કારણે અમે તેમની ધરપકડ કરવા તેમના ઘરે ગયા હતા પરંતુ તેઓ ત્યાં અમને મળ્યા નહોતા.”
જ્યારે ફેક્ટ ક્રેસેન્ડોએ હાથરસની ઘટનાના સંબંધમાં શ્યામ પ્રકાશ દ્વિવેદીના પુત્ર વિશે એક સવાલ પૂછ્યો ત્યારે તેમણે અમને સ્પષ્ટ કહ્યું હતું કે, “શ્યામ પ્રકાશ દ્વિવેદીને બે સંતાન છે, જેમાંથી એક 13 વર્ષની પુત્રી અને 4 વર્ષનો પુત્ર છે, તે બંને બાળકો એકદમ નાના છે અને તેમને આવા કોઈ પણ કેસમાં ખોટી રીતે જોડવું ખોટું છે. અમે આજે તેના કેસમાં શ્યામ પ્રકાશ દ્વિવેદીની ધરપકડ કરી છે અને તેને જેલમાં મોકલી આપ્યો છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ફોટોમાં દેખાતો વ્યક્તિ હાથરસ કેસના આરોપીના પિતા નહીં પરંતુ એ વ્યક્તિ ભાજપના નેતા શ્યામ પ્રકાશ દ્વિવેદી છે.

Title:શું ખરેખર ફોટોમાં દેખાતો વ્યક્તિ હાથરસ દુષ્કર્મ કેસના આરોપીના પિતા છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
