શું ખરેખર 7/12 અને 8 અ ના ઉતારા માટે ખેડૂતોને ખાવા પડે છે તાલુકા પંચાયત કચેરીના ધક્કા…? જાણો શું છે સત્ય...
ફેસબુક પર बेखौफ Gujju નામના એક ફેસબુક પેજ પર 1 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ખેડૂતમિત્રો, પહેલા 7-12/8અ ના ઉતારા પંચાયતમાં મળતા હતા આજે ધક્કા ખાઈને તાલુકા પંચાયત જવુ પડે છે એ ના ભૂલતા વોટ આપતી વખતે.. આ પોસ્ટને લગભગ 208 જેટલા લોકોએ લાઈક કરી હતી. 22 જેટલા લોકોએ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી તેમજ 49 જેટલા લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે આ પોસ્ટને લઈને અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.
Facebook | Archive
સંશોધન
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટની સત્યતા જાણવા માટે સૌપ્રથમ અમે ગ્રામ્યક્ષેત્રે ગ્રામ પંચાયતમાં કામ કરતા સ્થાનિક વીસીઈ સાથે ફોન પર ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગે વાત કરી તો તેઓએ એવું જણાવ્યું કે, આજ રોજ સુધી પણ ગ્રામ પંચાયતમાં ખેડૂતોને 7/12, 8 અ ના ઉતારા કાઢી આપવામાં આવે છે. એવું ક્યાંય નથી કે આ ઉતારા માટે તમારે તાલુકા પંચાયત કચેરીના ધક્કા ખાવા પડે.
(ફાઈલ ફોટો ગ્રામ પંચાયત)
આ અંગે અમે અમારી વધુ તપાસ માટે ગ્રામ્ય કક્ષાએ કામ કરતા સરકારી અધિકારી એટલે કે તલાટી કમ મંત્રી સાથે પણ વાત કરી તો તેઓએ પણ અમને જણાવ્યું હતું કે, ખેડૂતો માટે 7/12, 8 અ ના ઉતારા ગ્રામ પંચાયતમાં જ મળી રહે છે. જે આજે પણ તમને ઉપલબ્ધ થઈ શકે છે. આ ઉપરાંત તેમણે એ પણ જણાવ્યું હતું કે, અ ઉતારા તમને તાલુકા પંચાયત કચેરીમાં પણ પ્રાપ્ત થઈ શકે છે.
આ પોસ્ટ અંગે અમને હજુ પણ વધુ તપાસની જરૂર જણાતા અમે તાલુકા પંચાયત કચેરીમાં ખેડૂતોના ઉતારા કાઢનાર કર્મચારી જોડે પણ વાત કરી હતી તો તેમણે અમને જણાવ્યું હતું કે, આ ઉતારા તાલુકા તેમજ ગ્રામ પંચાયત એમ બંને જગ્યાએથી ખેડૂત આસાનીથી મેળવી શકે છે.
(ફાઈલ ફોટો તાલુકા પંચાયત)
તમામ સંશોધનના અંતમાં અમને પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા 9 જુલાઈ, 2018 ના રોજ બહાર પાડવામાં આવેલ એક પરિપત્ર પણ પ્રાપ્ત થયો જેમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે, ગ્રામ્ય કક્ષાએ વીસીઈ દ્વારા ગામના લોકોને પૂરી પાડવામાં આવતી તમામ પ્રકારની માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઉપરના સંશોધન પરથી એવું કહી શકાય કે, ચૂંટણીના માહોલમાં કેટલાક ઠગબાજો દ્વારા આ પ્રકારની ભ્રામક અને ખોટી માહિતી લોકોને ગેરમાર્ગે દોરવા માટે શેર કરવામાં આવે છે.
પરિણામ:
આમ, અમારા સંશોધનમાં ઉપરોક્ત ફેસબુક પોસ્ટમાં કરવામાં આવેલો દાવો સંપૂર્ણ રીતે ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, ખેડૂતો માટે 7/12, 8 અ ના ઉતારા હજુ પણ ગ્રામ પંચાયતમાં મળી રહે છે. જેથી ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો કે, પહેલા 7-12/8અ ના ઉતારા પંચાયતમાં મળતા હતા આજે ધક્કા ખાઈને તાલુકા પંચાયત જવું પડે છે. એ ખોટો સાબિત થાય છે.
છબીઓ સૌજન્ય: ગુગલ
Title: શું ખરેખર 7/12 અને 8 અ ના ઉતારા માટે ખેડૂતોને ખાવા પડે છે તાલુકા પંચાયત કચેરીના ધક્કા…? જાણો શું છે સત્ય...
Fact Check By: Dhiraj VyasResult: False