શું ખરેખર અલ્પેશ ઠાકોર અને રાહુલ ગાંધીની રેલીમાં લાગ્યા“મોદી…મોદી”ના નારા…? જાણો સત્ય

False રાજકીય I Political

મોદી લહેર નામના એક ફેસબુક યુઝર દ્વારા 16 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અલ્પેશ ઠાકોરે રાહુલ ગાંધીના નારા લગાવ્યા જનતાએ મોદીના નારા લગાવ્યા. અલ્પેશ આ મોદી લહેર છે. ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલા 41 સેકન્ડના વીડિયોમાં ગુજરાત કોંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોર સભામાં ઉપસ્થિત લોકોને ‘રાહુલ ગાંધી ઝિંદાબાદ’ ના સૂત્રોચ્ચાર માટે કહી રહ્યા છે ત્યારે ઉપસ્થિત ભીડમાંથી ‘મોદી…મોદી’ નારા ગૂંજવા લાગે છે. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 136 લોકોએ લાઈક કરી હતી, 14 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા અને 66 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.

Face book | Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ સૌપ્રથમ અમે ગુગલનો સહારો લીધો અને Alpesh thakor And rahul Gandhi Rally In Gujarat  લખતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.co.in-2019.05.20-10-22-12.png

Google | Archive

ઉપરના પરિણામો પરથી અમને જાણવા મળ્યું કે, અલ્પેશ ઠાકોરે જ્યારે ઔપચારિક રીતે કોંગ્રેસ પાર્ટી જોઈન કરી ત્યારનો આ વીડિયો છે. આ વીડિયોને કોંગ્રેસના યુ ટ્યુબ પેજ પર 24 ઓક્ટોબર, 2017 ના દિવસે પોસ્ટ કરવામાં આવ્યો હતો.  આ સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.

Archive

1.29.29 મિનિટના ઉપરના વીડિયોને અમે ધ્યાનથી જોયો અને સાંભળ્યો ત્યારે અમને પોસ્ટમાં દર્શાવવામાં આવેલા વીડિયો અને ઓરિજનલ વીડિયો વચ્ચેનો તફાવત સ્પષ્ટ જોવા મળ્યો. ઉપરના વીડિયોમાં અલ્પેશ ઠાકોર પોતાના ભાષણના શરૂઆતમાં 12.06 મિનિટે ભીડને શાંત કરતા નજરે પડી રહ્યા છે. પરંતુ પોસ્ટમાં અલ્પેશ ઠાકોરના આ વીડિયોને એ રીતે દર્શાવવામાં આવી રહ્યો છે કે જાણે અલ્પેશ ઠાકોર ભીડને મોદી…મોદી… બોલતા રોકી રહ્યા હોય. ઉપરના વીડિયોમાં 33.00 મિનિટથી 33.45 મિનિટ વચ્ચે અલ્પેશ ઠાકોર ભીડને રાહુલ ગાંધી ઝિંદાબાદ કહેવાનું કહી રહ્યા છે એ પણ તમે સ્પષ્ટ જોઈ શકો છો. જેમાં ક્યાંય પણ મોદી…મોદી… એવું સંભળાતું નથી.

આ ઉપરાંત ઉપરના ઓરિજનલ વીડિયો પરથી અમને એ પણ જાણવા મળ્યું કે, મોદી…મોદી…ના નારા સાથે પોસ્ટમાં શેર કરવામાં આવેલો વીડિયો ખોટો છે. અને એ પણ બે વર્ષ જૂનો વીડિયો છે. તેમજ આ વીડિયોમાં એડિટીંગ કરી તેની સાથે છેડછાડ કરવામાં આવી છે એ સ્પષ્ટ જોઈ શકાય છે. આમ, ઓરિજીનલ અને ફેક બંને વીડિયો વચ્ચેનો તફાવત તમે નીચે સ્પષ્ટપણે જોઈ શકો છો.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલ/તપાસ કાર્યવાહીમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પૂરા વીડિયોમાં અલ્પેશ ઠાકોરના રાહુલ ગાંધી ઝિંદાબાદ કહેવાની સામે ક્યાંય પણ લોકો મોદી…મોદી… બોલતા હોય એવું સાબિત થતું નથી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર અલ્પેશ ઠાકોર અને રાહુલ ગાંધીની રેલીમાં લાગ્યા“મોદી…મોદી”ના નારા…? જાણો સત્ય

Fact Check By: Dhiraj Vyas 

Result: False