
Prakash Pandav નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મળતા સમાચારો મુજબ આ વિડિઓ મહારાષ્ટ્ર ના મનોરી ગામનો છે જ્યાં કોરોના ના દર્દી ની લાશ હોસ્પિટલ તંત્રએ સોંપવાની ના પાડતા ગામ લોકો જબરદસ્તી લાશને ગામ લઇ આવ્યા અને અંતિમ સંસ્કાર કરવા માટે અંતિમ વિધિ દરમિયાન માલુમ પડ્યું કે પાર્થિવ શરીરમાંથી અંગો જ ગાયબ હતા. શુ કોરોનો ના નામે હોસ્પિટલ્સ આવા ધંધાઓ પણ કરે છે કે શું !!?? તંત્રએ ધ્યાન આપવું જ રહ્યું આવી બાબતોમાં.. જેથી મર્યાનો મલાજો જળવાય અને જે હોસ્પિટલ્સ માનવતા ભૂલી માનવ શરીરમાં પણ ધંધો શોધે છે તેના પર થોડો ઘણો અંકુશ આવે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 51 લોકોએ તેમના મંતવ્યો જણવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 170 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મહારાષ્ટ્રના મનોરી ગામમાં મૃત માનવ શરીરમાંથી અંગો ગાયબ મળ્યા હતા. જેને લઈ ગ્રામજનોએ હોબાળો મંચાવ્યો હતો.”
FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને આ અંગેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. ત્યારબાદ અમે ઈન્વિડ ટૂલ્સની મદદથી પણ વિડિયોને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ અમને કોઈ પરિણામો પ્રાપ્ત થયા ન હતા.
ત્યારબાદ આ ગામ ક્યા પોલીસ સ્ટેશન હેઠળ આવે છે તે શોધવા પ્રયત્ન કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, મુંબઈના ઝોન 11ના ગોરાઈ પોલીસ સ્ટેશન હેઠળ મનોરી ગામ આવે છે.
અમે ગોરાઈ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ સંજીવ નારકરનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે બે-ત્રણ વિડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે – એક મીરા રોડની છે – એક ભાઈંદરની છે, એક મનોરીની છે. વિડિઓ ક્લિપ બરાબર છે પરંતુ તેની સાથેની માહિતી ખોટી છે. તે સંપૂર્ણ રીતે બનાવટી છે, અમારા અધિકાર ક્ષેત્રમાં મૃતદેહો ગાયબ થવાના બનાવટી સમાચાર પ્રથમ વખત આવ્યા છે અને અમે આ સમાચાર તપાસ માટે અમારા સાયબર ક્રાઇમ વિભાગને મોકલી આપ્યા છે. મનોરીમાં કોરોનાને કારણે હજી સુધી કોઈ મોત થયું નથી.”
ત્યારબાદ અમે મુંબઈ ઝોન 11ના ડીસીપી વિશાલ ઠાકુર સાથે પણ વાત કરી હતી અને તેમનું કહેવું છે કે “આ વીડિયો જૂનો છે અને તે સાચું છે કે આ વીડિયો મનોરી ગામનો છે પરંતુ તેની સાથેનો વાયરલ સંદેશ ખોટો છે. તેમણે કહ્યું, “આ વીડિયો 10-15 દિવસ જૂનો છે અને સંદેશમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણેની આવી કોઈ ઘટના બની નથી. લોકો એકઠા થયા, આ બરાબર છે, પરંતુ લોકોને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા, જેથી લોકોની ભીડ વધી ગઈ હતી. મૃતદેહના ભાગને લઈ જે સંદેશમાં લખ્યું છે તે બનાવટી સમાચાર છે. મારે તપાસ કરવાની છે કે આ ઘટના ક્યારે બની હતી.”
જ્યારે અમે મનોરી ગામ સાથે સંકળાયેલા કેટલાક લોકો સાથે કોરોનાથી સંક્રમિત દર્દીઓ અને કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા જાણવા માટે વાત કરી હતી, ત્યારે તેઓએ જણાવ્યું હતું કે કોરોનાવાયરસથી માત્ર 3 થી 4 લોકોને ચેપ લાગ્યો છે અને એક પણ વ્યક્તિનું કોરોનાથી મોત થયુ નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, જે વિડિયો વાયરલ થઈ રહ્યો છે તે મનોરી ગામનો જ છે પરંતુ વીડિયો સાથે જે મેસેજ વાયરલ થઈ રહ્યો છે તે તદ્દન ખોટો છે.

Title:શું ખરેખર માનવ શરીર માંથી અંગો ગાયબ થઈ જતા હોબાળો કર્યાનો વિડિયો છે….? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
