શું ખરેખર 20 રૂપિયામાં મળે છે રહેવા અને જમવાની સુવિધા…? જાણો સત્ય

False સામાજિક I Social

Suman નામના એક ફેસબુક યુઝર દ્વારા 28 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, દરેક ગુજરાતીએ શેર કરવા જેવો મેસેજ… ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ કે તેની આસપાસ ક્યાંય હોસ્પિટલના કામે કોઈન પણ જવાનું થાય તો માત્ર 20 રૂપિયાના નજીવા દરે એક વ્યક્તિને જમવાનું તેમજ 20 રૂપિયાના દરે બે વ્યક્તિ માટે રાત્રિ રોકાણની સુવિધા ઉપલબ્ધ છે તેમજ જો કોઈ વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ થયું હોય તો પણ માત્ર 20 રૂપિયામાં ટિફિન સેવા મળશે. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 2200 લોકોએ લાઈક કરી હતી, 124 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા તેમજ 6600 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.

Facebook | Archive | Photo Archive

સંશોધન

સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવા માટે અમે સૌપ્રથમ પોસ્ટમાં દર્શાવેલી માહિતીને ધ્યાનથી વાંચી તો આ માહિતીમાં અમને સૌથી નીચે વિકીભાઈ ત્રિવેદીનો મોબાઈલ નંબર પ્રાપ્ત થયો. ત્યાર બાદ અમે મોબાઈલ નંબર પર સંપર્ક કરતાં અમારી વિકીભાઈ ત્રિવેદી સાથે ઉપરોક્ત પોસ્ટમાં દર્શાવવામાં આવેલી માહિતી અંગે વાત થઈ તો તેઓએ અમને જણાવ્યું કે, આ પ્રકારની કોઈ જ સેવા સિવિલ હોસ્પિટલના આસપાસના વિસ્તારમાં અમારા દ્વારા આપવામાં આવતી નથી અને ભૂતકાળમાં પણ ક્યારેય આવી સેવા આપવામાં નથી આવી. કેટલાક ઠગબાજો દ્વારા આવી ખોટી માહિતી ફેલાવવામાં આવે છે. આ પોસ્ટને લીધે મારા નંબર પર પણ ઘણા બધા કોલ આવ્યા હતા. હું પણ ઘણો હેરાન થયો છું.

આ પોસ્ટની વધુ તપાસ માટે અમે પોસ્ટમાં દર્શાવવામાં આવેલા એડ્રેસની મુલાકાત લીધી હતી તો ત્યાં પણ આ પ્રકારની કોઈ સેવા ઉપલબ્ધ હોય એવું જાણવા મળ્યું ન હતું.

પરિણામ

આમ, અમારી તપાસમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર 20 રૂપિયામાં મળે છે રહેવા અને જમવાની સુવિધા…? જાણો સત્ય

Fact Check By: Dhiraj Vyas 

Result: False