
15 ઓગસ્ટથી ગુજરાતના સોશિયલ મિડિયામાં એક સ્ટોરી ખૂબ વાયરલ થઈ રહી હતી. સિંહ અને હરણની વાયરલ સ્ટોરીમાં સંવેદના દર્શાવવામાં આવી હતી અને સિંહ દ્વારા ગર્ભવતી હરણનો શિકાર કર્યા બાદ દુખ વ્યક્ત કરવામાં આવ્યુ હતુ અને બાદમાં તેનું પણ હાર્ટ એટેકથી મોત થઈ ગયુ હતુ. આ પ્રકારની સ્ટોરી ખૂબ જ વાયરલ થઈ રહી છે. ત્યારે આ અંગેની પડતાલ કરતા ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં ઉપરોક્ત સ્ટોરી ખોટી સાબિત થાય છે.
Maro Samaj page નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટ પર 932 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 79 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 295 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સિંહણે હરણનો શિકાર કર્યો હતો. બાદમાં સિંહનું પણ મૃત્યુ થયુ હતુ સિંહનું પીએમ કરતા હાર્ટએટેકથી મોત થયુ હોવાનું જણાયુ.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ડેઈલીમેલ.કો.યુકેનો વર્ષ 2009નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ સમગ્ર ઘટના અંગે જણાવવામાં આવ્યુ હતુ. આ ફોટોને સાઉથ આફ્રિકામાં મૈડિકે ગેમ રિઝર્વમાં ગેરી વૈન ડેર વોલ્ટ નામના ફોટોગ્રાફરે પાડ્યા હતા. સમગ્ર ઘટના વર્ણાવવામાં આવી હતી. પરંતુ સિંહણનું બાદમાં મોત થયુ હોવાનો કોઈ ઉલ્લેખ નથી.
DAILYSABAH.COM (ARCHIVE) દ્વારા પણ આ સમગ્ર ઘટનાને ફોટો સાથે વર્ણવવામાં આવી હતી. પરંતુ તેમાં પણ ક્યાંય સિંહણનું મોત થયુ હોવાનું જણાવવામાં આવ્યુ ન હતુ.
તેમજ સત્ય જાણવા અમે ફોટોગ્રાફર ગેરી વૈન ડેર વોલ્ટનો સંપર્ક સાધવાનું નક્કી કર્યુ હતુ. દરમિયાન અમને તેમની વેબસાઈટ પ્રાપ્ત થઈ હતી. જે પરથી અમે તેમનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ ફોટોગ્રાફ તેમના દ્વારા વર્ષ 2007માં મૈડિકે ગેમ રિઝર્વમાં લેવામાં આવ્યા હતા. તેમજ દુનિયાભરમાં આ ફોટો ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યા છે. સિંહને કોઈ પસ્તાવો ન હતો થયો. તેમજ સિંહનું મોત થયુ હોવાની વાત પણ તદ્દન ખોટી છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલો દાવો તદ્દન ખોટો છે. સિંહણને આ ઘટનામાં કોઈ પસ્તાવો ન હતો થયો તેમજ તેનું મોત થયુ હોવાની વાત પણ તદ્દન ખોટી છે. જે અંગેની પૃષ્ટી ફોટો લેનાર ફોટોગ્રાફર દ્વારા કરવામાં આવી છે.

Title:શું ખરેખર આ સત્ય ઘટના છે અને તેમાં સિંહનું પણ મૃત્યુ થયુ હતુ….? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
