
હાલમાં બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈ સમગ્ર દેશમાં રાજકારણ ગરમાયુ છે ત્યારે સોશિયલ મિડિયામાં એક પોસ્ટ શેર કરવામાં આવી રહી છે અને જણાવવામાં આવી રહ્યુ છે કે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહની પુત્રી શ્રેયાંસી સિંહ આજે ભાજપ માં જોડાઈ.
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો મિશ્રિત સાબિત થયો છે. કારણ કે શ્રેયાંસી સિંહ ભાજપામાં જોડાયા તે સાચી વાત છે પરંતુ તે દિગ્વિજય સિંહના પુત્રી નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Khabar communication Private Limited ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 ઓક્ટોબર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહની પુત્રી શ્રેયાંસી સિંહ આજે ભાજપમાં જોડાઈ.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ આ પ્રકારે સોશિયલ મિડિયામાં સમાચાર આવ્યા ક્યાંથી તે જાણવા અમે પ્રયત્ન કર્યો હતો દરમિયાન અમને જાણવા મળ્યુ હતુ કે, આજતક દ્વારા સૌપ્રથમ આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
BJP BIHAR દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી આ માહિતી શેર કરી હતી અને તેમણે પણ જણાવ્યુ હતુ કે, શ્રેયાંસી સિંહ પૂર્વ કેન્દ્રિય મંત્રી દિગવિજય સિંહની દિકરી છે. આ ટ્વિટ તમે નીચે જોઈ શકો છો.
જો કે, દિગ્વિજય સિંહ દ્વારા તેમના ઓફિશિયલ એકાઉન્ટ પરથી ટ્વિટ કરી માહિતી આપવામાં આવી હતી કે, શ્રેયાસી સિંહ તેમની પુત્રી નથી. આજતક દ્વારા ખોટી માહિતી શેર કરવામાં આવી રહી છે.
શ્રેયાસી સિંહ બિહારના બંકાના પૂર્વ સાંસદ અને યુનિયન ડેપ્યુટી મિનિસ્ટર દિગ્વિજય સિંહની પુત્રી છે. જે માહિતી વિકિપિડીયા પર ઉપલબ્ધ છે.
ત્યારબાદ અમને શ્રેયાંસી સિંહ દ્વારા તેમના ઈન્સ્ટાગ્રામમાં તેમના માતા-પિતા સાથે શેર કરવામાં આવેલી તસ્વીર પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ નથી પંરતુ બિહારના બંકાના પૂર્વ સાંસદ અને યુનિયન ડેપ્યુટી મિનિસ્ટર દિગ્વિજય સિંહ છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, શ્રેયાંસી સિંહએ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહની પુત્રી નથી પંરતુ બિહારના બંકાના પૂર્વ સાંસદ અને યુનિયન ડેપ્યુટી મિનિસ્ટર દિગ્વિજય સિંહની પુત્રી છે. એક સરખા નામના કારણે ખોટી માહિતી ફેલાઈ રહી છે.

Title:શું ખરેખર મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહની પુત્રી ભાજપામાં જોડાઈ…? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: Partly False
