શું ખરેખર ડુંગળી પર ટેક્ષ વધારાના વિરોધમાં વ્યક્તિ દ્વારા આંગળી કાપી વિરોધ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

પોલીસની ધીમી કામગિરીથી પરેશાન થઈ તેનો વિરોધ નોંધાવ્યો હતો અને તેના ભાઈ-ભાભીની આત્મહત્યાના પ્રકરણમાં ન્યાયની માંગણી માટે આ વ્યક્તિ દ્વારા તેની આંગળી કાપવામાં આવી હતી.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં જોઈ શકાય છે કે વ્યક્તિ પોતાની આંગળી કાપી નાખે છે. ત્યારપછી તે પોતાની કપાયેલી આંગળી પણ કેમેરાને બતાવે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરકાર દ્વારા ડુંગળી પર કરવામાં આવેલા ટેક્ષ વધારાનો વિરોધ નોંધાવવા ખેડૂત દ્વારા પોતાની આંગલી કાપી નાખવામાં આવી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

M D Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 ઓગસ્ટ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સરકાર દ્વારા ડુંગળી પર કરવામાં આવેલા ટેક્ષ વધારાનો વિરોધ નોંધાવવા ખેડૂત દ્વારા પોતાની આંગલી કાપી નાખવામાં આવી.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ભાસ્કર દ્વારા તેમની વેબસાઈટ પર પબ્લિશ અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં એક વ્યક્તિએ પોતાની આંગળી કાપીને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમને મોકલી દીધી. તેમણે કહ્યું કે મે જે આંગળીથી પીએમ નરેન્દ્ર મોદીને વોટ આપ્યો હતો, તે હવે હું દેવેન્દ્ર ફડણવીસને ભેટમાં આપી રહ્યો છું. આ વ્યક્તિના ભાઈ અને ભાભીએ આત્મહત્યા કરી લીધી હતી. કોઈ કાર્યવાહી ન થતાં મૃતકના ભાઈએ આ પગલું ભર્યું હતું.

ઉલ્હાસનગરના એક દંપતીએ 1 ઓગસ્ટના રોજ ગુંડાઓથી ત્રાસીને કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. આના એક દિવસ પહેલા તેણે એક વીડિયો વાયરલ કર્યો હતો. વાયરલ વીડિયોમાં મહારાષ્ટ્રના સતારા જિલ્લાના કેટલાક લોકો અને એક વકીલનું નામ હતું.

હવે મૃતકના ભાઈ ધનંજય નાનવરેએ તેની આંગળી કાપીને 18 ઓગસ્ટે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મોકલી હતી. આ ઘટનાનો વીડિયો પણ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. ધનંજયને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 

Bhaskar.com | Archive

તેમજ વધુ સર્ચ કરતા અમને ઈન્ડિયા ટુડેની દ્વારા 19 ઓગસ્ટ 2023ના પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો, જેમાં ન્યૂઝ એજન્સી પીટીઆઈને ટાંકીને માહિતી આપવામાં આવી હતી કે, “મહારાષ્ટ્રના સતારામાં એક 43 વર્ષીય વ્યક્તિએ તેના ભાઈ અને ભાભીની આત્મહત્યાના કેસમાં પોલીસ પર આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવ્યો. કેમેરા સામે તેની એક આંગળી કાપી નાખી. પીડિત ધનંજય નાનવરેએ કહ્યું કે, જો રાજ્ય સરકાર કાર્યવાહી નહીં કરે, તો તે દર અઠવાડિયે તેના શરીરનો એક ભાગ કાપવાનું ચાલુ રાખશે. અહેવાલમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે આ ઘટના ફલટન નગરમાં બની હતી.

અહેવાલ મુજબ, “નંદકુમાર નાનાવરે અને તેની પત્ની ઉજ્જવલ નાનાવરેએ ગયા મહિને ઉલ્હાસનગરમાં કથિત રીતે આત્મહત્યા કરી હતી.” વીડિયોમાં ધનંજયે આરોપ લગાવ્યો છે કે આ મામલામાં એક “મંત્રી” સામેલ છે અને તેના ભાઈએ મરતા પહેલા તેનું નામ પણ લીધું હતું, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. તેમણે કહ્યું કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ દર અઠવાડિયે તેમના શરીરનો એક ભાગ કાપીને રાજ્ય સરકારને મોકલશે.

India Today | Archive

ફ્રી પ્રેસ જર્નલના અહેવાલ મુજબ, “સંબંધિત કેસમાં, સંગ્રામ નિકાલજે અને અજાણ્યા વ્યક્તિઓ વિરૂદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. આઈપીસીની કલમ 306 અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પરંતુ ઘટનાના 18 દિવસ પછી પણ કેસમાં કોઈ પ્રગતિ થઈ નથી. 

Archive

હિન્દુસ્તાન ટાઈમ્સના 19 ઓગસ્ટના અહેવાલ મુજબ, “મુખ્યમંત્રીએ પણ આ મામલે દખલ કરી છે. અહેવાલ મુજબ, “સતારાનાં પાલક મંત્રી અને રાજ્ય આબકારી મંત્રી શંભુરાજે દેસાઈએ કહ્યું કે તેમણે આ બાબતની ગંભીર નોંધ લીધી છે અને મુખ્યમંત્રીએ ધનંજયની યોગ્ય સારવાર માટે સૂચના આપી છે. તેમણે ઉલ્હાસનગરના કમિશનર સાથે સાતારાના જિલ્લા મેજિસ્ટ્રેટ અને એસપી સાથે આ બાબતે વાત કરી હતી.” 

Hindustan Times | Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોલીસની ધીમી કામગિરીથી પરેશાન થઈ તેનો વિરોધ નોંધાવ્યો હતો અને તેના ભાઈ-ભાભીની આત્મહત્યાના પ્રકરણમાં ન્યાયની માંગણી માટે આ વ્યક્તિ દ્વારા તેની આંગળી કાપવામાં આવી હતી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર ડુંગળી પર ટેક્ષ વધારાના વિરોધમાં વ્યક્તિ દ્વારા આંગળી કાપી વિરોધ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

Written By: Frany Karia 

Result: False