
Pravinbhai Italiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કાનુની ચેતવણી સુરતમાં રહેતા તમામ પરીવારો ને, જણાવવાનું કે, કોરોના વાયરસના બે કેસ નોંધાયા છે, જો આંકડો દસને આંબશે તો, કપરી પરિસ્થિતીનો સામનો કરવો પડશે, કોઈ પણ પરિવારને વતનમાં જવા તેમજ આવવા દેવામાં નહીં આવે એની નોંધ લેવી, દીલ્લી થી કે ચાઈનાથી એબ્રોડરીનું મટીરીલ ન મંગાવવા પણ સરકારનો અનુરોધ છે, મેડીકલ ઓફિસર તેમજ આરોગ્યા ખાતાનું કહેવું છે, જો તમે વહેલી તકે વહેલા તે પહેલાના ધોરણે સુરત છોડીને પોતપોતાના વતન તરફ જતા રહેવા આરોગ્યા ખાતાના ઓફિસરે આદેશ આદેશ આપેલ છે લી, ગુજરાત આરોગ્ય વિભાગ” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 5 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 15 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના ભયના કારણે સુરતવાસીઓને સુરત છોડી જતા રહેવા આદેશ કરવામાં આવ્યો છે.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ જો આ પ્રકારે કોઈ સરકારી વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યો હોય તો સ્થાનિક મિડિયા સાથે નેશનલ મિડિયા દ્વારા પણ તેની નોંધ લેવામાં આવી જ હોય તેથી અમે ગૂગલ પર “સુરત ખાલી કરવા આરોગ્ય વિભાગનો આદેશ” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને પોસ્ટ સાથે જે ઈમેજ શેર કરવામાં આવી છે તેને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને મળેલા પરિણામોમાં પણ ક્યાંય પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની હક્કીત પ્રાપ્ત થઈ ન હતી.
ત્યારબાદ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા લખાણને ધ્યાનથી વાંચતા તેમાં ઘણી ભૂલ હતી. તેમજ દરેક શબ્દ જે આપણી તડપદી ભાષામાં બોલાય તે રીતે લખવામાં આવ્યો હતો. તેમજ કોઈપણ વિભાગ દ્વારા જ્યારે કોઈ આદેશ આપવામાં આવે તો તેના લેટર પેડ પર આપવામાં આવે પરંતુ અહિંયા તો કાનૂની ચેતવણી શીર્ષક હેઠળ લેટર વાયરલ કરવામાં આવ્યો હતો. જે ખરેખર ઘણી શંકા પેદા કરી રહ્યો હતો. લખાણની ભૂલો તમે નીચે જોઈ શકો છો.

ત્યારબાદ અમે અમારી પડતાલને વધૂ મજબૂત કરવા સુરત આરોગ્ય અધિકારી ડો.આર.કે.કંછલનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આરોગ્ય વિભાગ દ્વારા આ પ્રકારે કોઈ સુચના આપવામાં નથી આવી, આરોગ્ય વિભાગના નામે લોકોને ભ્રામક કરવામાં આવી રહ્યા છે. લોકોને આપના માધ્યમથી અપીલ કરીશું કે આ પ્રકારની અફવાઓથી દૂર રહે.”

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આરોગ્ય વિભાગ દ્વારા આ પ્રકારે કોઈ આદેશ આપવામાં આવ્યા નથી. લોકોમાં કોરોના વાયરસના નામે ભ્રામક્તા ફેલાવવા આ પોસ્ટને શેર કરવામાં આવી રહી છે.

Title:શું ખરેખર કોરોના વાયરસને લઈ સુરત શહેર ખાલી કરવા આદેશ આપવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
