
Vk Rayka નામના ફેસબુક યુઝર દ્વારા 11 ફેબ્રુઆરી, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોંગ્રેસ ની બધી જ 70 સીટો પર ડિપોઝીટ ઝપ્ત… મતલબ કે હંગીને ધોવાય એટલો પંજો પણ નો રહેવા દીધો 😀 #vk. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં 70 સીટો પર કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ છે. આ પોસ્ટને 43 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 3 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 11 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની 70 સીટો પર ડિપોઝીટ જપ્ત થઈ છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ભારતીય ચૂંટણી આયોગની વેબસાઈટ પરની માહિતી પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, દિલ્હીમાં 70 સીટો પર 8 ફેબ્રુઆરી, 2020 ના રોજ ચૂંટણી યોજાઈ હતી. જ્યારે તેનું પરિણામ 11 ફેબ્રુઆરી, 2020 ના રોજ જાહેર થયું હતું. જેમાં આમ આદમી પાર્ટીને 62 સીટ પ્રાપ્ત થઈ હતી અને ભાજપને 8 સીટો મળી હતી. જ્યારે કોંગ્રેસને એક પણ સીટ પ્રાપ્ત થઈ ન હતી.

અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા 66 સીટો પર જ તેમના ઉમેદવારોને ચૂંટણી લડાવવામાં આવી હતી. જ્યારે અન્ય 4 સીટો કોંગ્રેસની સહયોગી પાર્ટીઓ માટે રાખવામાં આવી હતી. વધુમાં અમને ECI ની વેબસાઈટ પરથી એ પણ માહિતી પ્રાપ્ત થઈ હતી કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની 3 સીટો તો એવી હતી કે જ્યાં તેમની ડિપોઝીટ જપ્ત થતાં બચી ગઈ હતી. જેમાં અરવિંન્દરસિંહ લવલી, દેવેન્દર યાદવ તેમજ અભિષેક દત્તનો સમાવેશ થાય છે.
વધુમાં અમને એ માહિતી પ્રાપ્ત થઈ હતી કે, કોંગ્રેસે પાલમ, બુરાડી, કિરાડી અને ઉત્તમનગર એમ 4 સીટો તેની સહયોગી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ (RJD) ને આપી હતી. આ ચારેય સીટ પર પણ તમામ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી. હવે જોવા જઈએ તો કોંગ્રેસની 66 સીટમાંથી 3 સીટો પર ડિપોઝીટ જપ્ત થતાં બચી ગઈ એટલે કે 63 સીટ પર ડિપોઝીટ જપ્ત થઈ હોવાનું સ્પષ્ટ સાબિત થાય છે. તે ઉપરાંત જો તેની સહયોગી પાર્ટીઓને પણ એમાં ગણીએ તો કુલ 63 કોંગ્રેસની અને 4 RJD મળીને કુલ 67 સીટો પર જ ડિપોઝીટ જપ્ત થઈ હોવાની માહિતી દર્શાવે છે.
ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને amarujala.com દ્વારા 11 ફેબ્રુઆરી, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના 66 ઉમેદવારોમાંથી 63 ની ડિપોઝીટની રકમ જપ્ત થઈ છે. જે સમાચાર તમે નીચે જોઈ શકો છો.

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. khabar.ndtv.com | navbharattimes.indiatimes.com | zeenews.india.com
આ સંપૂર્ણ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના 63 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ છે. 70 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હોવાની માહિતી લોકોને ગેરમાર્ગે દોરવા માટે વાયરલ કરવામાં આવી રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના 63 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ છે. 70 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હોવાની માહિતી તદ્દન ખોટી છે.
છબીઓ સૌજન્ય : ગુગલ

Title:શું ખરેખર દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની 70 સીટો પર ડિપોઝીટ જપ્ત થઈ…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
