વક્ફ બોર્ડને પૂર્ણ રીતે બંધ કરવા અંગે ખાનગી સભ્ય બીલ બીજેપી સાંસદ દ્વારા રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યુ હતુ, જેના પર ચર્ચા થઈ હતી, તે રાજ્યસભા માંથી પાસ થઈ ગયુ હોવાની વાત તદ્દન ખોટી છે.

શુક્રવારે રાજ્યસભામાં ભાજપના હરનાથ સિંહ યાદવે વકફ બોર્ડ એક્ટ 1995ને રદ્દ કરવા માટે ગૃહમાં ‘વક્ફ બોર્ડ રિપીલ બિલ 2022’ રજૂ કરવાની મંજૂરી માંગી હતી. વિપક્ષી સાંસદોએ આનો વિરોધ કર્યો હતો. ભારે ચર્ચા બાદ મતનું વિભાજન થયું હતું. આ બિલની તરફેણમાં 53 વોટ સાથે ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ બાદ એક મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વક્ફ બોર્ડને નિરસ્ત કરવાનું બીલ રાજ્ય સભામાંથી પાસ થઈ ગયુ અને મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવ્યુ.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
પ્રદીપ શેઠ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ડિસેમ્બર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વક્ફ બોર્ડને નિરસ્ત કરવાનું બીલ રાજ્ય સભામાંથી પાસ થઈ ગયુ અને મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવ્યુ.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, બીજેપી સાંસદ હરનત સિંહ યાદવ દ્વારા રાજ્યસભામાં શુક્રવારના પ્રાઈવેટ મેમ્બર બીલ રજૂ કર્યુ હતુ. જેના પર ચર્ચા કરવામાં આવી હતી. અને સત્તા પક્ષ અને વિપક્ષના સાંસદો દ્વારા તેમના મંતવ્યો રજુ કરવામાં આવ્યો હતા. જે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો.

વકફ બોર્ડ અંગે સંસદમાં થયેલી સંપૂર્ણ કાર્યવાહી તેમજ તેને લઈ સતાપક્ષ અને વિપક્ષ દ્વારા કરવામાં આવેલા સવાલ-જવાબ તમે નીચે જોઈ શકો છો.
પ્રાઈવેટ મેમ્બર બીલ શું છે.?
ખાનગી સભ્ય બિલને સંસદમાં ખાનગી સભ્ય (મંત્રી નહીં) દ્વારા રજૂ કરવામાં આવે છે. કાયદાકીય પ્રક્રિયા માટે સંસદમાં બે પ્રકારના બિલ રજૂ કરવામાં આવે છે: જાહેર અને ખાનગી બિલ. સાર્વજનિક બિલને સરકારી બિલ કહેવામાં આવે છે જ્યારે ખાનગી બિલને ખાનગી સભ્યોનું બિલ કહેવામાં આવે છે.
પ્રાઈવેટ મેમ્બર્સ બિલ વિશેની હકીકતો:
- શાસક પક્ષ અને વિપક્ષ બંનેના સંસદ સભ્યો ખાનગી સભ્ય બિલ રજૂ કરી શકે છે.
- પ્રાઇવેટ મેમ્બર બિલ, એક્ટ બનવા માટે, બંને ગૃહોમાં પસાર થવું આવશ્યક છે.
- એકવાર બંને ગૃહોમાં પસાર થયા પછી, ખરડો કાયદો બનવા માટે રાષ્ટ્રપતિની સંમતિ પણ ફરજિયાત છે.
- આવા વિધેયકો માત્ર શુક્રવારે જ રજૂ કરી શકાય છે અને ચર્ચા કરી શકાય છે.
- સંસદના સત્ર દીઠ ખાનગી સભ્ય બિલોની સંખ્યા 3 સુધી મર્યાદિત કરવામાં આવી છે.
ખાનગી સભ્યના બિલના ઉદાહરણો
- બેરોજગારી ભથ્થું બિલ 2019 તમામ બેરોજગાર લોકોને ભથ્થું પ્રદાન કરવા માંગે છે.
- બેરોજગાર અનુસ્નાતકોને નાણાકીય સહાય બિલ 2019, બેરોજગારી ભથ્થાને માત્ર બેરોજગાર અનુસ્નાતકો સુધી મર્યાદિત કરવા માટે
- બેરોજગાર યુવા (ભથ્થું અને રોજગારની તકો) બિલ 2019 લાભદાયક રોજગારની તકો અને બેરોજગારી ભથ્થાની ચૂકવણીના બે-ઉદેશ્યને ધ્યાનમાં રાખે છે.
- બેરોજગારી ભથ્થું બિલ બેરોજગાર યુવાનોને લાભદાયક રોજગાર ન મળે ત્યાં સુધી બેરોજગારી ભથ્થાનો પ્રસ્તાવ મૂકે છે.
ખાનગી સભ્ય બિલમાં રાષ્ટ્રપતિની ભૂમિકા
પૂર્વ-નિર્ધારિત પરંપરાઓ અનુસાર, ભારતના રાષ્ટ્રપતિ તેમની સંપૂર્ણ વીટોની સત્તાનો ઉપયોગ કરી શકે છે અને ખાનગી સભ્યોના બિલને સરળતાથી કાઢી શકે છે. (લિંક કરેલા લેખમાં ભારતીય રાષ્ટ્રપતિના વીટો પાવર વિશે જાણો.)
1952થી માત્ર 14 ખાનગી સભ્યોના બિલ કાયદા બન્યા છે.
1952 થી, ફક્ત 14 ખાનગી સભ્યોના બિલ કાયદા બન્યા છે. 14મી લોકસભામાં રજૂ કરવામાં આવેલા 300 જેટલા ખાનગી સભ્યોના બિલોમાંથી માત્ર 4% પર ચર્ચા થઈ હતી અને બાકીના 96% બિલ કોઈ ચર્ચા વિના જ પસાર થઈ ગયા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વક્ફ બોર્ડને પૂર્ણ રીતે બંધ કરવા અંગે ખાનગી સભ્ય બીલ બીજેપી સાંસદ દ્વારા રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યુ હતુ, જેના પર ચર્ચા થઈ હતી, તે રાજ્યસભા માંથી પાસ થઈ ગયુ હોવાની વાત તદ્દન ખોટી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:વક્ફ બોર્ડને નિરસ્ત કરવાનું બીલ રાજ્ય સભામાં પાસ નથી થયુ… જાણો શું છે સત્ય….
Written By: Frany KariaResult: False
