
Pragnesh Jani નામના ફેસબુક યુઝર દ્વારા 15 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, साउदी अरेबिया में पारा पहुंचा 62 डिग्री, खड़ी गाड़ियों का प्लास्टिक पिघलने लगा, जल्द ही भारत मे भी ऐसा ही देखने को मिलेगा अगर हम पेड़ न लगाएं तो, इस बारिश में कम से कम 5 पौधे अवश्य लगाए और देखभाल करें वरना..?????? खौफनाक भविष्य के लिए तैयार रहिये. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 49 લોકોએ લાઈક કરી હતી. 4 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિભાવ આપવામાં આવ્યા હતા. તેમજ 45 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ માહિતીનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Photo Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં જણાવ્યા પ્રમાણે શું ખરેખર ગરમીનો પારો સાઉદી અરબમાં 62 ડિગ્રી પર પહોંચતાં કાર પીગળી ગઈ? એ માહિતી જો સાચી હોય તો કોઈને કોઈ મીડિયા માધ્યમ દ્વારા આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા જ હોય એ જાણવા માટે સૌ પ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લીધો તો અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની માહિતીને લગતી સ્નૂપ્સ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવું લખવામાં આવ્યું હતું કે, આ ફોટો એરિજોનાનો છે. ફેક્ટ ચેક કરવામાં આવેલા સમાચારમાં વધુમાં લખવામાં આવ્યું હતું કે, ફોટોમાં દેખાતી ગાડીઓ ગરમીના કારણે નહીં પરંતુ એક જગ્યાએ આગ લાગવાને પરિણામે આ ઘટના બની હતી.જે સ્થળે આ ગાડીઓ પાર્ક કરવામાં આવી હતી એ જગ્યાની બાજુમાં જ આગ લાગવાને કારણે આ ઘટના બની હતી. આગની લપેટમાં આવવાને કારણે આ ગાડીઓ પીગળી ગઈ હતી. એમાં ક્યાંય એવી માહિતી નથી દર્શાવવામાં આવી કે આ ગાડીઓ વધુ પડતી ગરમીને કારણે પીગળી ગઈ હતી. આ સંપૂર્ણ સમાચાર તમે નીચેની લિંક પર જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને ટક્સન ટાઈમ્સ નાઉ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. આ સમાચાર 20 જૂન, 2018 ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. આ સમાચારમાં એવું લખવામાં આવ્યું હતું કે, એક કંન્સ્ટ્રક્શન સાઈટ પર આગ લાગવાને કારણે ઘણી બધી ગાડીઓને નુકશાન થયું હતું. આગની ગરમીની લપેટમાં આવવાથી ઘટનાસ્થળ પર બે ક્રેન, વીજળીની લાઈનો તેમજ આસપાસના ઘરોની બારીઓને પણ નુકશાન પહોંચ્યું હતું. જે તમે નીચે જોઈ શકો છો

ઉપરોક્ત કી વર્ડનો ઉપયોગ કરતાં અમને ટક્સનની વેબસાઈટ પર તેમના દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા એક અન્ય સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં આ ઘટનાને લગતા ફોટો મૂકવામાં આવ્યા હતા. આ સમાચારમાં આગને કારણે જેટલું પણ નુકશાન થયું હતું તેનું ફોટો સાથે વર્ણન કરવામાં આવ્યું હતું. અમને આ ફોટોમાં પોસ્ટમાં દર્શાવેલો ફોટો પણ પ્રાપ્ત થયો હતો પણ એ બીજા એંગલથી લેવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.


આ ઉપરાંત અમે ગિનીસ બુકઓફ ધ વર્લ્ડ રેકોર્ડ ની વેબસાઈટ પર અત્યાર સુધીની સૌથી વધુ ગરમી ક્યારે અને ક્યાં હતી એ શોધવાનો પ્રયત્ન કર્યો હતો તો અમને રેકોર્ડ મુજબ અત્યાર સુધીની સૌથી વધુ ગરમી 56.7° C (134° F) હોવાનું માલૂમ પડ્યું હતું. જે 10, જુલાઈ 1913 ના રોજ ગ્રીનલેંડ રેંચ, ડેથવેલી, કેલિફોર્નિયા, અમેરિકામાં નોંધવામાં આવી હતી.આ પરથી એ સાબિત થાય છે કે, સાઉદી અરબમાં 62 ડિગ્રી તાપમાન હોવાની માહિતી ખોટી છે.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન કેલિફોર્નિયામાં 10 જુલાઈ, 1913 ના રોજ 56.7 ડિગ્રી નોંધાયું હતું.અને પોસ્ટમાં દર્શાવેલા ફોટો પણ અમેરિકાના એરિઝોનાની એક કંસ્ટ્રક્શન સાઈટ પર લાગેલી આગને કારણે પીગળેલી ગાડીઓના છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર તાપમાનમાં વધારો થતાં સાઉદી અરબમાં કાર પીગળી ગઈ…? જાણો સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
