તાજેતરમાં લિબિયા ખાતે આવેલા ભયાનક પૂરે વિનાશ સર્જ્યો છે ત્યારે આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં લિબિયા ખાતે આવેલા પૂરનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2021માં જાપાન ખાતે પૂર આવ્યું હતું ત્યારનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Manavta News નામના ફેસબુક પેજ દ્વારા 14 સપ્ટેમ્બર, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં લિબિયા ખાતે આવેલા પૂરનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર Sankei News દ્વારા 3 જુલાઈ, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ઘટના જાપાનના અટામી શહેરમાં બની હતી. અતિભારે વરસાદને કારણે અટામી શહેરના ઇઝુયામા વિસ્તારમાં ભૂસ્ખલન અને પૂર આવ્યું હતું. 10 થી વધુ મકાનો ધરાશાયી થયા હતા અને 19 લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે.

નીચે તમે ભૂસ્ખલનને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો ફોટો જોઈ શકો છો.

Image Source – The Sankei News

CNN ના અહેવાલ મુજબ, 2021 માં જાપાનના અટામી શહેરમાં ભૂસ્ખલનથી લગભગ 20 લોકો ગુમ થયા હતા અને ડઝનેક ઘરો પડી ભાંગ્યા હતા. બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને ઘણા લોકોને આ વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

ટોક્યોના દક્ષિણ પશ્ચિમમાં આવેલા અટામી શહેરમાં 2021 માં થયેલા ભૂસ્ખલનમાં લગભગ 19 લોકો ગુમ થયા હતા એવું NPR ના અહેવાલમાં જણાવાયું છે. 80 થી વધુ ઘરો ધરાશાયી થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોસ્ટ ગાર્ડને બચાવ કામગીરી દરમિયાન બે લોકોના મૃતદેહ મળ્યા હતા. આ વિસ્તારમાંથી 35,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

લિબિયામાં આવેલું પૂર

NDTV ના જણાવ્યા અનુસાર લિબિયાના ડેર્ના શહેરમાં 'ડેનિયલ' નામના વાવાઝોડાની અસર થઈ છે. ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે શહેરની ઉપરના પહાડોમાં આવેલા બે ડેમ તૂટી ગયા હતા, જેના કારણે ભારે પૂર આવ્યું હતું. આ પૂરમાં 5,000 થી વધુ લોકોના મોત થયા હતા અને 10,000 થી વધુ લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, હજુ પણ મૃતકોના મૃતદેહો ખંડેર નીચે પડેલા છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2021માં જાપાન ખાતે પૂર આવ્યું હતું ત્યારનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો તાજેતરમાં લિબિયા ખાતે આવેલા પૂરના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય...

Written By: Vikas Vyas

Result: False