
તાજેતરમાં આવેલા તાઉતે વાવાઝોડાના ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં ઘણા બધા જૂના અને ખોટી માહિતી સાથેના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે ત્યારે આ બધા વીડિયોની વચ્ચે સોશિયલ મીડિયા પર પાણીમાંથી પસાર થઈ રહેલા સિંહોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પુલ પરના પાણીમાંથી પસાર થઈ રહેલા સિંહોનો આ વીડિયો ગુજરાતના ગીરનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ફેબ્રુઆરી 2021 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ વીડિયોને તાજેતરમાં આવેલા તાઉતે વાવાઝોડા કે ગીર સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Sanj Samachar નામના ફેસબુક યુઝર દ્વારા 19 મે, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ વીડિયો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ગીર – આકોલવાડીનો દુર્લભ વિડિયો જેમાં ૧૦ જેટલા સિંહ નજરે પડે છે.. તાઉતે વાવાઝોડાના કારણે ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો, ત્યારે પુલ ઉપરથી પાણી વહેતું જાય છે અને સિંહ તેની મસ્તીમાં પસાર થઈ રહ્યા છે.. (વિડિયો સૌજન્ય : કમલેશભાઇ શાહ, રાજકોટ). પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પુલ પરના પાણીમાંથી પસાર થઈ રહેલા સિંહોનો આ વીડિયો ગુજરાતના ગીરનો છે.
Facebook Post | Archive | Video Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો malamalagamereserve નામના ઈન્સ્ટાગ્રામ પર 13 ફેબ્રુઆરી, 2021 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો સાઉથ આફ્રિકાના માલામાલા ગેમ રિઝર્વનો છે.
ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો legendsafaris દ્વારા પણ આજ માહિતી સાથે 13 ફેબ્રુઆરી, 2021 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.
ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને વન અને પર્યાવરણ ખાતાના એડિશનલ ચીફ સેક્રેટરી Dr. Rajiv Kumar Gupta દ્વારા 21 મે, 2021 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ગુજરાત રાજ્યના મુખ્ય વન સંરક્ષક શ્યામલ ટીકાદાર દ્વારા આજ વીડિયો અંગે લેખિતમાં માફી પણ માંગવામાં આવી હતી. તેમજ આ વીડિયો ગુજરાતના ગીરનો ન હોવાનું સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ફેબ્રુઆરી 2021 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ વીડિયો સાઉથ આફ્રિકાનો છે. આ વીડિયોને તાજેતરમાં આવેલા તાઉતે વાવાઝોડા કે ગીર સાથે કોઈ જ સંબંધ નથી.

Title:શું ખરેખર ગુજરાતના ગીર ખાતે લટાર મારતા સિંહોનો આ વીડિયો છે…?
Fact Check By: Vikas VyasResult: False
