
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ટાપુ પર બનેલા એરપોર્ટ પર લેન્ડ થઈ રહેલા વિમાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ટાપુ પર બનેલા એરપોર્ટ પર લેન્ડ થઈ રહેલા વિમાનનો આ વીડિયો અગાતી ટાપુના એરપોર્ટ પર તાજેતરમાં ઉતરેલી પ્રથમ ફ્લાઈટનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં અગાતી ટાપુ પરના એરપોર્ટ પર લેન્ડ થઈ રહેલી ફ્લાઈટનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2021 થી ઈન્ટરનેટ પર વાયરલ છે. આ વીડિયોને ભારત-માલદીવ વિવાદ કે તાજેતરની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 8 જાન્યુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, લક્ષદ્વીપ અગાતી આઇલેન્ડ પર પ્રથમ ફ્લાઇટ લેન્ડ થઈ. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ટાપુ પર બનેલા એરપોર્ટ પર લેન્ડ થઈ રહેલા વિમાનનો આ વીડિયો અગાતી ટાપુના એરપોર્ટ પર તાજેતરમાં ઉતરેલી પ્રથમ ફ્લાઈટનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વાયરલ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 30 જુલાઈ, 2021 ના રોજ એક યુટ્યુબ યુઝર દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, લક્ષદ્વીપના અગાતી ટાપુ પર ફ્લાઈટનું લેન્ડિંગ. પરંતુ આ વીડિયો લગભગ અઢી વર્ષ જૂનો હોવાથી એ સ્પષ્ટ થાય છે કે, આ વીડિયો તાજેતરનો નથી.
https://www.youtube.com/shorts/a4ZqG9Y9z60
અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું કે, ભૂતપૂર્વ ઉડ્ડયન મંત્રી અને રાજ્યસભાના સાંસદ પ્રફુલ પટેલે બીજા દિવસે ટ્વિટ કર્યું હતું કે, કેન્દ્ર સરકાર તેને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુધી વિસ્તરણ કરવાની યોજના બનાવી રહી છે. આ ટ્વિટમાં લખવામાં આવ્યું હતું કે, “રોમાંચક સમાચાર! ભારત સરકાર અગાતી એરપોર્ટને વિશ્વ કક્ષાની આંતરરાષ્ટ્રીય સુવિધામાં પરિવર્તિત કરવાની યોજના બનાવશે. આ ગેમ-ચેન્જર લક્ષદ્વીપમાં પ્રવાસન, કનેક્ટિવિટી અને વિકાસને વેગ આપશે, જે ટાપુઓના વિકાસની સંભાવનાઓને વેગ પ્રદાન કરશે.
અગાતી એરપોર્ટ એ કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં ઉપલબ્ધ એકમાત્ર એરસ્ટ્રીપ છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત એરફિલ્ડનું એપ્રિલ 1988માં DO 228ના સંચાલન માટે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેને છેલ્લે 2010માં અપગ્રેડ કરવામાં આવ્યું હતું. 2013માં સરકારે રનવેને સમુદ્ર સુધી લંબાવવાની યોજના બનાવી હતી પરંતુ હજુ સુધી તેનો અમલ કરવામાં આવ્યો નથી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, “લક્ષદ્વીપના અગાતી એરફિલ્ડમાં 13મી ઓક્ટોબર, 2022ના રોજ પ્રથમવાર કોઈ વિમાન દ્વારા નાઈટ લેન્ડિંગ થયું હતું.
માલદીવ વિવાદ વચ્ચે, ભારત સરકાર લશ્કરી અને નાગરિક બંને વિમાનો માટે લક્ષદ્વીપમાં એક નવું એરપોર્ટ વિકસાવવાની યોજના બનાવી રહ્યું છે. તેના પરના સમાચાર અહેવાલો તમે અહીં વાંચી શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અગાતી ટાપુ પરના એરપોર્ટ પર લેન્ડ થઈ રહેલી ફ્લાઈટનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2021 થી ઈન્ટરનેટ પર વાયરલ છે. આ વીડિયોને ભારત-માલદીવ વિવાદ કે તાજેતરની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:જાણો તાજેતરમાં આગાતી એરપોર્ટ પર ઉતરેલી પ્રથમ ફ્લાઈટના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….
Written By: Vikas VyasResult: Missing Context
