શું ખરેખર રાહુલ ગાંધી માઈક બંધ હોવા છતાં ભાષણ કરી રહ્યા હતા?… જાણો શું છે સત્ય…

Missing Context રાજકીય I Political

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી માઈક બંધ હોવા છતાં ભાષણ કરી રહ્યા છે. માઈક બંધ હોવાની તેમને ખબર પણ નથી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એમાં રાહુલ ગાંધીએ જાતે જ ભાજપ સરકાર પર પ્રહાર કરતાં પોતાનું માઈક બંધ કર્યું હતું. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Abhilash Ghoda નામના ફેસબુક યુઝર દ્વારા 29 નવેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, નવાબ હસાવે નહીં તો કેમ ચાલે ???? માઇક બંધ થઇ ગયું છે અને સાહેબ ને ખબર પણ નથી…હલાવે રાખે છે.. જો કે માઇક ચાલુ હોય તો પણ શું ઉકાળી લે ??? કરો મજા તમે પણ….. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી માઈક બંધ હોવા છતાં ભાષણ કરી રહ્યા છે. માઈક બંધ હોવાની તેમને ખબર પણ નથી.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો કોંગ્રેસના સત્તાવાર યુટ્યુબ પર 27 નવેમ્બર, 2022 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયો સાથે આપવામાં આવેલી માહિતી પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, ઈન્દોરના રઉ ખાતે રાહુલ ગાંધી દ્વારા એક જાહેરસભામાં ભાજપ અને આરએસએસ પર પ્રહાર કરવામાં આવ્યા હતા તે સમયનો આ વીડિયો છે. આ વીડિયોમાં તમે 4.17 મિનિટ પછી જોઈ શકો છો કે, રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, જ્યારે પણ અમે લોકસભામાં ઘણી બધી વાર સરકાર સામે કેટલાક મુદ્દા ઉઠાવવા માટે અવાજ ઉઠાવવાની વાત કરી ત્યારે જાદુથી અમારું માઈક આ રીતે બંધ થઈ જતું હતું.

આજ વીડિયોમાં તમે 5.01 મિનિટ પર તમે રાહુલ ગાંધીને જાતે જ માઈક બંધ કરતાં જોઈ શકો છો. ત્યાર બાદ રાહુલ ગાંધી બંધ માઈક રાખીને થોડુંક બોલીને 5.35 મિનિટ પછી ફરી માઈક ચાલુ કરીને ભાષણ કરવા લાગે છે.

નીચે તમે રાહુલ ગાંધીના ભાષણના વાયરલ અને ઓરિજીનલ વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એમાં રાહુલ ગાંધીએ જાતે જ ભાજપ સરકાર પર પ્રહાર કરતાં પોતાનું માઈક બંધ કર્યું હતું. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે.

Avatar

Title:શું ખરેખર રાહુલ ગાંધી માઈક બંધ હોવા છતાં ભાષણ કરી રહ્યા હતા?… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Missing Context