
પાટીદાર કાંડ નામના ફેસબુક યુઝર દ્વારા 23 ઓગષ્ટ,2019 ના રોજ જાગૃત નાગરિક મંચ ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, પતંજલી ના સ્થાપક માલીક બાલકૂષ્ણ.ને એટેક આવતા એઈમ્સ મા દાખલ .કેમ તારી બનાવેલી .હોસ્પિટલ પર ભરોસો નથી.કે જનતા ને ઉલ્લૂ જ બનાવો છો.. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પતંજલિના સ્થાપક બાલકૃષ્ણને હાર્ટ એટેક આવતાં એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 328 લોકોએ લાઈક કરી હતી. 50 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 180 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Post Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર પતંજલિના બાલકૃષ્ણને હ્રદયરોગનો હુમલો આવવાથી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હોત તો તે એક મોટા સમાચાર બન્યા હોય અને કોઈને કોઈ મીડિયા હાઉસ દ્વારા તેને પ્રસારિત કરવામાં આવ્યા જ હોય એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ Acharya Balkrishna Admitted in AIIMS સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને જુદા જુદા મીડિયા હાઉસ દ્વારા પતંજલિના આચાર્ય બાલકૃષ્ણને લગતા સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ તમામ સમાચારો પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, પતંજલિના આચાર્ય બાલકૃષ્ણની તબિયત 23 ઓગષ્ટ, 2019 ના રોજ અચાનક લથડતાં તેમને ઋષિકેશની AIIMS હોસ્પિટલમાં દાખલકરવામાં આવ્યા હતા. ત્યાં તેમની સારવાર બાદ તમામ રિપોર્ટ નોર્મલ હોવાથી તેમને 25 ઓગષ્ટ, 2019 ના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ તમામ સમાચારોમાં ક્યાંય પણ તેમને હ્રદયરોગનો હુમલો કે હાર્ટ એટેક આવ્યા હોવાની કોઈ જ માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી. જે તમે નીચે જોઈ શકો છો.
aajtak.intoday.in | news18.com | indiatoday.in |
Archive | Archive | Archive |
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે AIIMS હોસ્પિટલના ચિકિત્સા અધિકારી ડૉ. બ્રહ્મ પ્રકાશનો સંપર્ક કરી તેમની સાથે આ ઘટના અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “આચાર્ય બાલકૃષ્ણના પરીક્ષણો અને પરિણામોની એક લેખિત નકલ મે પહેલેથી જ સોશિયલ પ્લેટફોર્મ પર મૂકી છે. તેમને જ્યારે અહીંયા લાવવામાં આવ્યા ત્યારે તે એક ‘altered consciousness’ ની સ્થિતિમાં હતા. જેમાં મોટાભાગે લોકોને પોતાના આજુબાજુ શું થઈ રહ્યું છે તેનું ભાન હોતું નથી. તમામ પરિક્ષણો કર્યા બાદ પરિણામ સામાન્ય આવ્યું હતું. પરંતુ છતાં પણ અમે તેમને એક દિવસ માટે હોસ્પિટલમાં નજર સમક્ષ રાખ્યા અને પછીના દિવસે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.”
ડૉ. બ્રહ્મ પ્રકાશ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ અમે ગુગલ પર તેમના દ્વારા મૂકવામાં આવેલા રિપોર્ટને શોધવાની કોશિશ કરી હતી. તો અમને આચાર્ય બાલકૃષ્ણ દ્વારા 24 ઓગષ્ટ, 2019 ના રોજ કરવામાં આવેલું એક ટ્વિટ પ્રાપ્ત થયું હતું. જેમાં તેઓએ ડૉ. બ્રહ્મ પ્રકાશ દ્વારા મૂકવામાં આવેલી માહિતી પોસ્ટ કરી હતી. જેમાં સ્પષ્ટ રીતે એવું લખવામાં આવ્યું છે કે, ડૉક્ટર દ્વારા કરવામાં આવેલા ચેકઅપના તમામ પરિણામો સામાન્ય છે જેમાં પણ ખાસ કરીને ECG. જે માહિતી તમે નીચે જોઈ શકો છો.

આ તમામ પરિણામો પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પતંજલિના આચાર્ય બાલકૃષ્ણની તબિયત બગડવાને કારણે તેમને ઋષિકેશની AIIMS હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. પરંતુ તેમને હાર્ટ એટેક આવ્યો એ માહિતી ખોટી છે.
ફેક્ટ ક્રેસેન્ડોની હિન્દી ટીમ દ્વારા પણ આ માહિતીની સત્યતા ચકાસવામાં આવી હતી. જે તમે નીચેની લિંક પર જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પતંજલિના બાલકૃષ્ણની તબિયત ખરાબ થતાં તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમને હાર્ટ એટેક આવ્યો હોવાની માહિતી તદ્દન ખોટી છે.
છબીઓ સૌજન્ય : ગુગલ

Title:શું ખરેખર પતંજલિના બાલકૃષ્ણને હાર્ટ એટેક આવતાં એઈમ્સમાં દાખલ કરાયા…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
