અબ્દુલ કલામે આતંકવાદને રોકવા માટે મદરેસાઓ પર પ્રતિબંધ મૂકવાનું કહ્યું ન હતું; ખોટું નિવેદન વાયરલ
અબ્દુલ કલામે ક્યારેય આતંકવાદને રોકવા માટે મદરેસાઓ પર પ્રતિબંધ મૂકવાનું કહ્યું નથી. આ પોસ્ટ ખોટા દાવા સાથે વાયરલ થઈ રહી છે.
પૂર્વ રાષ્ટ્રપતિ એ. પી. જે. અબ્દુલ કલામના નામની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, “અબ્દુલ કલામે ભારતમાં મદરેસાઓને આતંકવાદ શીખવવાના કેન્દ્રો તરીકે પ્રતિબંધિત કરવાનું આહવાન કરતું નિવેદન આપ્યું હતું.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 14 ઓગસ્ટ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અબ્દુલ કલામે ભારતમાં મદરેસાઓને આતંકવાદ શીખવવાના કેન્દ્રો તરીકે પ્રતિબંધિત કરવાનું આહવાન કરતું નિવેદન આપ્યું હતું.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌ પ્રથમ એ. પી. જે. અબ્દુલ કલામે જો ખરેખર આવું નિવેદન કર્યું હોત તો તે એક મોટા સમાચાર બની જાત. પરંતુ, આવી કોઈ માહિતી કોઈપણ સત્તાવાર મીડિયા પર ઉપલબ્ધ નથી.
આતંકવાદ વિશે અબ્દુલ કલામ શું કહે છે તેની શોધમાં તેમના સામયિક નિવેદનોમાં મદરેસાઓ પર પ્રતિબંધ મૂકવાની હાકલ ક્યાંય મળી નથી.
2010માં મુંબઈ પોલીસ દ્વારા આયોજિત 'ફાઈટ અગેઈન્સ્ટ ટેરરિઝમ' કાર્યક્રમમાં અબ્દુલ કલામે કહ્યું હતું કે આતંકવાદને ડામવા માટે કડક કાયદો બનાવવો જોઈએ જેથી આવા ગુનેગારોને સમયસર સજા મળે.
તેમણે નાગરિકોને મજબૂત રાજકીય ઈચ્છાશક્તિ સાથે આતંકવાદ સામેની લડાઈમાં જોડાવા અપીલ કરી હતી. તેની સાથે તેમણે સુરક્ષા દળોને આધુનિક હથિયારો ઉપલબ્ધ કરાવવાની માંગ કરી હતી.
અબ્દુલ કલામે, 2013માં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પત્રકારો સાથે વાત કરતા, આતંકવાદ સામે સકારાત્મક પગલાંના આયોજનના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
આતંકવાદ જેવા અનિચ્છનીય વલણોને હરાવવા માટે સકારાત્મક પ્રતિકારક પગલાં લેવા જોઈએ. કલામે કહ્યું હતું કે બુરાઈને રોકવા માટે સારા લોકોએ સાથે આવવાની જરૂર છે.
અબ્દુલ કલામના સલાહકાર તરીકેની વિશેષ ફરજ બજાવતા ભૂતપૂર્વ અધિકારી શ્રીજન પાલ સિંહના જણાવ્યા અનુસાર, "ડો. કલામનું સ્વપ્ન રાષ્ટ્રને આતંકવાદ મુક્ત કરવાનું હતું."
ફેક્ટ ક્રેસન્ડો દ્વારા જ્યારે ડો. અબ્દુલ કલામના પૌત્ર શેખ સલીમનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે વાયરલ દાવાને રદિયો આપતા કહ્યું, "વાઈરલ નિવેદન ખોટુ છે અને અબ્દુલ કલામે ક્યારેય કોઈ ધર્મ પર આવી ટિપ્પણી કરી નથી."
તો મદરેસાઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ કોણે કરી?
ઉત્તર પ્રદેશ શિયા વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીએ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને મદરેસાઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.
રિઝવીએ કહ્યું હતું કે, “ISIS જેવા આતંકવાદી સંગઠનો ભારતના મુસ્લિમ બહુમતીવાળા ભાગોને પ્રભાવિત કરવા માટે મદરેસાઓનો ઉપયોગ કરી રહ્યા છે. આને રોકવા માટે નરેન્દ્ર મોદીએ મદરેસાઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, અબ્દુલ કલામે ક્યારેય આતંકવાદને રોકવા માટે મદરેસાઓ પર પ્રતિબંધ મૂકવાનું કહ્યું નથી. આ પોસ્ટ ખોટા દાવા સાથે વાયરલ થઈ રહી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:અબ્દુલ કલામે આતંકવાદને રોકવા માટે મદરેસાઓ પર પ્રતિબંધ મૂકવાનું કહ્યું ન હતું; ખોટું નિવેદન વાયરલ
Fact Check By: Frany KariaResult: False