જાણો હરિયાણા ખાતે ગટરના પાણીમાંથી બિરયાની બનાવવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સ્ટ્રીટફૂડની લારી પાસે થયેલી બબાલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હરિયાણા ખાતે ગટરના પાણીમાંથી બિરયાની બનાવી રહેલા વ્યક્તિનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગટરના પાણીમાંથી બિરયાની બનાવવાનો નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Gujaratnow નામના ફેસબુક પેજ દ્વારા 17 ઓગસ્ટ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, હરિયાણામાં ગટરના પાણીથી બિરયાની બનાવતા શખ્સનો વીડિયો વાયરલ,ઝડપાયા બાદ કહ્યું 5 હજાર રૂપિયા આપી દઈશ,જુઓ વિડિઓ. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હરિયાણા ખાતે ગટરના પાણીમાંથી બિરયાની બનાવી રહેલા વ્યક્તિનો આ વીડિયો છે.

https://www.facebook.com/100094520281197/videos/327281802971845/?__tn__=%2CO

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પિંજોર સ્થિત શમા ઢાબાના માલિક સદામ અલીનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “વીડિયોમાં બતાવવામાં આવેલી ઘટના 14 ઓગસ્ટની છે. જેમાં ગટરના પાણીથી બિરયાની બનાવવા જેવી કોઈ વાત નથી. ખરેખર ઢાબાની સામે દરરોજ નાળાનું પાણી જમા થાય છે. અમારા ઢાબામાં કામ કરતા લોકો રોજેરોજ તેને પોતાની જાતે નીકાળે છે અને જ્યારે નગરપાલિકાનો ટ્રક આવે છે ત્યારે તે તેમાં નાખી દે છે. પરંતુ તે દિવસે ટ્રક ન આવી એટલે અમારા માણસે સવારે અને સાંજે પાણી કાઢીને રસ્તા પર નાખ્યું. જોકે રસ્તા પર પાણી ઠાલવવામાં આવતું હોવાથી તેમાંથી ગંદી દુર્ગંધ આવી રહી હોવાથી વીડિયોમાં દેખાતા લોકો તેનો વિરોધ કરી રહ્યા હતા. તેઓ સવારે પણ આવ્યા હતા અને પછી ફરી સાંજે તેઓ પાણી રેડી રહેલા અમારા માણસને ધમકાવી તેની સાથે દુર્વ્યવહાર કરી રહ્યા હતા. અમારા માણસે તેને આ માટે પાંચ હજાર રૂપિયા આપવાની વાત પણ કરી હતી. આ માત્ર કેસ છે. દાવામાં જણાવેલ કોઈ પણ મુદ્દા આ વીડિયો સાથે સંબંધિત નથી.”

તેઓએ અમને એમ પણ કહ્યું હતું કે, તેઓ ગટરના પાણીથી રાંધતા નથી. આ વાતને સાબિત કરવા માટે સદામ અલીએ અમને તેમના ઢાબાનો એક વીડિયો મોકલ્યો છે, જેમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તે કયા પાણીથી રસોઇ કરે છે અને કયું પાણી ગટરનું છે. તમે તે વીડિયો નીચે જોઈ શકો છો.

આ પછી, અમે સદામ અલીના આ નિવેદનની પુષ્ટિ કરવા માટે પિંજોર પોલીસ સ્ટેશનના સ્ટેશન ઈન્ચાર્જ કરમબીર સિંહનો સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું હતું કે, “આ વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો છે. ગટરના પાણીથી બિરયાની બનાવવા જેવી કોઈ બાબત નથી. શામા ઢાબા પર ગટરમાંથી ગંદુ પાણી રોડ પર ઠાલવવામાં આવતું હતું, જેના કારણે આસપાસના લોકોને વાંધો હતો. જેના કારણે તેઓ ઢાબાના સ્ટાફ સાથે ગેરવર્તન કરતા હતા.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગટરના પાણીમાંથી બિરયાની બનાવવાનો નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:જાણો હરિયાણા ખાતે ગટરના પાણીમાંથી બિરયાની બનાવવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય….

Written By: Vikas Vyas 

Result: False