
Marvel Marketing નામના ફેસબુક પેજ દ્વારા 21 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ચાઇના ની હાલત શું છે એકવાર વીડીયો જરૂર જુઓ મારૂ મારૂ કરતા આટલી વાર લાગે બધું પૂરું થતાં. યોગ્ય લાગે તો વિડિયો લાઇક કરી શેર કરજો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ચીન ખાતે તાજેતરમાં આવેલા પૂરનો છે. આ પોસ્ટને 115 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 7 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 70 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ચીન ખાતે તાજેતરમાં આવેલા પૂરનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને 25 ઓક્ટોમ્બર, 2012 ના રોજ FNN311 નામની યુટ્યુબ ચેનલ દ્વારા તેની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર પ્રસારિત કરવામાં આવેલો આજ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો વર્ષ 2011 માં જાપાન ખાતે આવેલા ત્સુનામીનો છે. જાપાનના પૂર્વ સમુદ્રી વિસ્તારમાં 9.1 ની તિવ્રતાનો ભૂકંપ આવતાં ભારે નુકશાનની થયું હતું.
ઉપરોક્ત વીડિયો જાપાનના ઇશિનોમાકીનો છે. જાપાનમાં 2011 ના ત્સુનામી સંબંધિત દરેક બાબતોને ટ્રેક કરવા માટે ફુજી ન્યૂઝ નેટવર્ક દ્વારા Remembering 3/11 નામની વેબસાઇટ બનાવવામાં આવી છે. આ વેબસાઇટ અનુસાર, આ વીડિયો 11 માર્ચ, 2011 ના રોજ ઇશિનોમાકીના કોચિ આબે નામના વ્યક્તિ દ્વારા શૂટ કરવામાં આવ્યો હતો.
ત્યાર બાદ ગૂગલ મેપ્સ પર અમે આ વીડિયો જે જગ્યા પરથી શૂટ કરવામાં આવ્યો હતો તે સ્થાન શોધી કાઢ્યું હતુ. આ વીડિયો નીચે ગૂગલ મેપ્સના સ્ક્રીનશોટમાં પીળા વર્તુળમાં બતાવેલ સ્થાન પરથી લેવામાં આવ્યો છે. 3.47 મિનિટના આ વીડિયોમાં 2.47 મિનિટે એક ફેક્ટરીના ત્રણ નળાકાર ટાવર્સ જોવા મળી રહ્યા છે. જેને તમે નીચેના નકશામાં પીળા ચોરસમાં જોઇ શકો છે.

ચીન ખાતે આવેલા પૂરના વીડિયો તમે અહીં જોઈ શકો છો. BBC News | Al Jazeera English
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ચીનમાં આવેલા પૂરનો નહીં પરંતુ જાપાનમાં વર્ષ 2011 માં આવેલા ત્સુનામીનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ચીનમાં આવેલા પૂરનો નહીં પરંતુ જાપાનમાં વર્ષ 2011 માં આવેલા ત્સુનામીનો છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:વર્ષ 2011 માં જાપાનમાં આવેલા ત્સુનામીનો વીડિયો ચીનમાં આવેલા પૂરના નામે વાયરલ… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
