
મોદી ચાહક નામના ફેસબુક યુઝર દ્વારા 23 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, પાસિયાવ ની રાજમાતા કોની જોડે યોગ કરે છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સોનિયા ગાંધી એક વ્યક્તિના ખોળામાં બેઠેલા તમે ફોટોમાં જોઈ શકો છો. આ પોસ્ટને 83 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 23 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ માહિતી વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી હોવાથી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો મુજબ સોનિયા ગાંધી કોઈ વ્યક્તિના ખોળામાં બેઠા છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને gettyimages.in નામની વેબસાઈટ પર મૂકવામાં આવેલા ફોટો પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ફોટો વર્ષ 2005 નો છે. જ્યારે માલદીવના તત્કાલીન રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દુલ ગયૂમ છ દિવસીય ભારતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન, તેમણે 29 માર્ચ, 2005 ના રોજ નવી દિલ્હીમાં યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. આ વેબસાઈટ પર મુલાકાતના અન્ય ફોટો પણ તમે જોઈ શકો છો.

નીચે તમે ઓરિજીનલ ફોટો અને ફોટોશોપ કરેલા ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ફોટોશોપની મદદથી એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ફોટોશોપની મદદથી એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:સોનિયા ગાંધીનો ફોટોશોપ ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
