
Tofik Amreliya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “દિલ્હી પોલીસ દ્વારા ફાયરિંગ માં જામીયા યુનિવર્સિટી નો વિદ્યાર્થી શહીદ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 47 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. એક વ્યક્તિએ તેમનું મંતવ્ય જણાવ્યુ હતુ. તેમજ 36 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જામિયામાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન એક વિધાર્થી છાત્રને ગોળી લાગતા તેનું મૃત્યુ થયુ”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને SREENIVASAN JAIN દ્વારા 17 ડિસેમ્બર 2019ના કરવામાં આવેલ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં પોસ્ટમાં શેર કરવામાં આવેલો જ વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો અને શીર્ષકમાં લખવામાં આવ્યુ હતુ કે, “આ વીડિયો એજાઝ નામના યુવકને ગોળી લાગ્યા પછીનો છે. આ વિડિયોમાં ક્યાંય પણ ટીયર ગેસ દેખાતો નથી.” આ ટવિટ તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને ગૂગલ પર “जामिया के छात्र को सिने में लगी गोली” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને THE LALLANTOP નો એક આર્ટીકલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “15 ડિસેમ્બરના જામિયા યુનિવર્સિટીના 2 વિદ્યાર્થી એજાજ અહમદ(ઉ.વ.20) અને મુહમ્મદ સુહેબ(ઉ.વ.23)ને ગોળી વાગી હતી. એજાજ બીએનો વિદ્યાર્થી છે. તેમજ સુહૈબ બીટેકનો વિદ્યાર્થી છે. આ બને વિદ્યાર્થીને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.”
ઉપરોક્ત પરિણામ બાદ અમને જામિયા યુનિવર્સિટીના વીસી નઝમા અખતરની પ્રેસ કોન્ફરન્સ સાંભળવવા મળી હતી, જેમાં તેઓએ સ્પષ્ટ શબ્દમાં જણાવી રહ્યા છે કે, “જામિયાના બે વિદ્યાર્થીના મોત થયા છે, તે તદન ખોટી વાત છે. જામિયાના કોઈ વિદ્યાર્થીનું મોત નથી થયું” આ પ્રેસ કોન્ફરન્સ તમે નીચે સાંભળી શકો છો.
ત્યારબાદ અમે સફદરજંગ હોસ્પિટલનો સંપર્ક સાધ્યો હતો, ત્યાના પીઆરઓ દિનેશ નારાયણ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “એજાજ અહમદ અને મુહમ્મદ સુહેબ બંને હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે. બંને માંથી કોઈની પણ પરિસ્થિતી નાજૂક નથી. બંનેની તબિયત સુધારા પર છે.”
જો કે, આ ગોળી દિલ્હી પોલીસે ન ચલાવી હોવાનું તેમજ આ ગોળી કોને ચલાવી તે અંગે તપાસ કરાશે તેવું સાઉથ ઈસ્ટ દિલ્હીના ડીસીપી ચિન્મય બિસ્વાલ દ્વારા ઈન્ડિયા ટીવીને ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
આમ, ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો જામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થી એજાજને ગોળી લાગ્યાનો તો છે. પરંતુ એજાજનું આ ગોળી વાગવાથી મોત થયુ નથી. તે હાલ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ છે અને તેની તબિયત સુધારા પર છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો જામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થી એજાજને ગોળી લાગ્યાનો તો છે. પરંતુ એજાજનું આ ગોળી વાગવાથી મોત થયુ નથી. તે હાલ દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ છે અને તેની તબિયત સુધારા પર છે.

Title:શું ખરેખર જામિયામાં વિરોધ પ્રદર્શન દરમિયાન ગોળી લાગવાથી યુવકનુ મોત થયુ છે..?જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
